તાજેતરના આક્ષેપો બાદ આસિત કુમાર મોદીએ માફી માગી

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલને હાલમાં જ ૧૫ વર્ષ પૂરા થયા છે. ૧૫ વર્ષ સુધી સતત દર્શકોને મનોરંજન પૂરું પાડવું એ કોઈપણ શો માટે મુશ્કેલ હોય છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ આ માઈલસ્ટોન સુધી પહોંચી શકી છે. જાેકે, પાછલા કેટલાય મહિનાઓથી આ સીરિયલ વિવાદોમાં સપડાયેલી છે.
રોશનભાભીનો રોલ કરનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સામે સેટ પર હેરાનગતિ કરવાના આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે હવે આસિત મોદીએ મૌન તોડ્યું છે. આસિત મોદીએ શોના ૧૫ વર્ષ પૂરા થવા અંગે વાત કરતાં કહ્યું કે, તેઓ હંમેશાથી એવો શો બનાવા માગતા હતા જે સૌને ખુશ કરે.
આ સાથે જ આસિત મોદીએ શો સાથે સંકળાયેલા કેટલાક લોકો જેમના મૃત્યુ થયા છે તેમને પણ યાદ કર્યા હતા. ‘દુનિયાને ઊંધા ચશ્મા’ કોલમથી પ્રેરાઈને જ આસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ શરૂ કરી હતી. આ કોલમના લેખક તારક મહેતા, પોતાના પિતા અને અન્ય કલાકારોને આસિત મોદીએ યાદ કર્યા હતા.
આ સાથે જ આસિત મોદીએ માફી પણ માગી હતી. ૧૫ વર્ષની આ સફરમાં કાસ્ટના કેટલાક સભ્યો આપણને છોડીને જતા રહ્યા. તેઓ અડધે રસ્તે ટ્રેનમાંથી ઉતરી ગયા અને પોતાનો અલગ માર્ગ પસંદ કર્યો. પરંતુ હું તેમના યોગદાનને ભૂલીશ નહીં. હું તેમની મહેનતને બિરદાવું છું અને હંમેશા તેમનો આભારી રહીશ.
હું તમને ખાતરીપૂર્વક કહું છું કે અમે ક્યારેય કોઈના વિશે ખરાબ બોલ્યા નથી કે ખરાબ વિચાર્યું નથી પરંતુ જાે જાણે-અજાણે કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલથી તેમની માફી માગુ છું”, તેમ તેમણે ઉમેર્યું.
આ ૧૫ વર્ષમાં અમે કેટલીય મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેટલાય લોકોએ ગોકુલધામ સોસાયટીની છબિ ખરડવાની કોશિશ કરી છે અને કેટલીક નેગેટિવ વાતો બોલાઈ છે પરંતુ અમે હંમેશા હકારાત્મક વલણ રાખ્યું છે. સત્ય અને ઈશ્વરના આશીર્વાદ સાથે અમે બધી જ પરિસ્થિતિઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યો છે.
આ જ કારણે અમે આ સ્ટેજ સુધી પહોંચી શક્યા છીએ. અમે હંમેશા લોકોનું સારું જ વિચાર્યું છે”, આસિત મોદીએ વાત આગળ વધારતાં કહ્યું હતું. જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ સીરિયલ છોડી દીધી હતી.
તેણે પ્રોડ્યુસર આસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર હેરાનગતિ અને પેમેન્ટ સમયસર ના આપવાનો આક્ષેપ કર્યો હતો. પ્રિયા આહુજા અને મોનિકા ભદોરિયા જેવા કલાકારોએ પણ આસિત મોદી સામે મોરચો માંડ્યો હતો.SS1MS