કિન્નરને ચા પીવા બોલાવવું ભારે પડ્યું મહિલાને: ચોંકાવનારો કિસ્સો
કિન્નરના વેશમાં આવેલો ગઠિયો વિધિના બહાને મહિલાનાં દાગીના-રોકડ પડાવી ગયો
અમદાવાદ, ઘરમાં એકલી રહેતી મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગ હાલમાં સક્રિય થઇ છે. આ ગેંગના સભ્યો અવનવા વેશ બદલીને એકલી રહેતી મહિલાના ઘરે વોચ રાખ્યા બાદ તેમને નિશાન બનાવતા હોય છે. આવો જ એક કિસ્સો આંબાવાડીમાં રહેતી એક મહિલા સાથે બન્યો છે.
આંબાવાડીમાં મહિલાના ઘરે કિન્નરના વેશમાં આવેલો ગઠિયો દુઃખ દૂર કરી આપવાની લાલચ આપી વિધિ કરવાના બહાને દાગીના અને રોકડ રકમ પડાવી ફરાર થઇ ગયો છે.
એલિસબ્રિજ વિસ્તારમાં સુનીતાનગરમાં રહેતાં શિક્ષિકા ભૂમિકાબહેન ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલાં એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો. જેને ભૂમિકાબહેને ચા પીવા માટે ઘરમાં બોલાવ્યા ત્યારે તેણે કહ્યું હતું કે તમારા ઘરમાં હાલ બહુ તકલીફ છે. તમારા ઘરની વિધિ કરવી પડશે.
આવું કહીને તેણે દરવાજા બંધ કરાવી દીધા હતા અને એક ગ્લાસમાં પાણી, કંકુ અને ચોખા માગ્યા હતા. બાદમાં પાણીના ગ્લાસ ઘરમાં ફેરવી પોતે પી ગયો હતો અને કહ્યું હતું કે તમારાં બધાં દુઃખ હું પી ગયો છું. ભૂમિકાબહેને ઘી માટેના ૧૧૦૦ રૂપિયા આપતાં એક રૂપિયો લઇને બીજા રૂપિયા પરત કર્યા હતા અને કહ્યું હતું કે હું તો તારી પરીક્ષા કરતો હતો કે તું માતાજીને પૈસા આપે છે કે કેમ.
તેણે એક રૂમાલ પાથરીને કહ્યું હતું કે આમાં પૈસા મૂકો અને ત્રણ સોનાના દાગીના મૂકો તેના પર હું વિધિ કરીને આપું બાદમાં દૂધમાં ધોઈને તે પહેરી લેજાે. જેથી ભૂમિકાબહેને રોકડા રૂપિયા ૪,૦૦૦ અને રૂપિયા ૪૫ હજારની કિંમતના દાગીના મૂક્યા હતા.
કિન્નરે કહ્યું હતું કે મારામાં માતાજીનો વાસ છે. આ રૂમાલ મારી થેલીમાં મૂકી દો. હું વિધિ કરીને હમણાં બે કલાકમાં આવું છું ત્યાં સુધી તમે જમવાનું બનાવી રાખો. હું તમારા ઘરે જમી લઈશ. આમ કહી ઠગ સોનાના દાગીના લઈ ફરાર થઇ ગયો.
ભૂમિકાબહેન આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિન્નરના વેશમાં આવેલ ગઠિયાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં કિન્નર સાથે એક રિક્ષાચાલક પણ આવ્યો હતો, જેમને પકડવા પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે.