વિધાનસભા સભ્યોએ દિવંગત પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ ધારાસભ્યોને પાઠવી શ્રધ્ધાંજલિ
૧પમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો
મુખ્યમંત્રીશ્રી અને ગૃહના નેતાશ્રી ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી સહિત સભ્યોએ દિવંગત પૂર્વ રાજ્યપાલશ્રી અને પૂર્વ ધારાસભ્યોને પાઠવી શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતાશ્રી ભૂપેન્દ્ર પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓ અને રાજ્યના પૂર્વ રાજ્યપાલશ્રીના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલી, પૂર્વ રાજ્યમંત્રી સ્વ. રમણભાઇ ચૌધરી તેમજ પૂર્વ સભ્યો સ્વ. નારણભાઇ કાળીદાસ પટેલ, દાઉદભાઇ મિયાભાઇ પટેલ, સ્વ. મહિપતસિંહ ભાવુભા જાડેજા તથા સ્વ. શ્રી હરેશકુમાર ઇન્દ્રપ્રસાદ ભટ્ટના અવસાન અંગે આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી.
તેમણે પૂર્વ રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજીએ ગુજરાતના વિકાસમાં આપેલા માર્ગદર્શન તેમજ દિવંગત પૂર્વ સભ્યોની જાગતિક લોકપ્રતિનિધિ તરીકેની સેવા પરાયણતાનું પૂણ્ય સ્મરણ કર્યુ હતું.
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી તેમજ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યોએ આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ વિધાયકોના સમાજ દાયિત્વને બિરદાવ્યુ હતું. સમગ્ર સભાગૃહે બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15 મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના શુભારંભે વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ 35 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું. તમામ સભ્યોએ ગરિમા અને સન્માનપૂર્વક તેમનું સંબોધન સાંભળ્યું હતું અને પ્રશંસા કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંબોધનના અંતે કહ્યું હતું કે, વિપક્ષના સભ્યોએ પણ મર્યાદાનું પાલન કરીને ગૃહનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધે એ પ્રકારે મારા સંબોધનમાં સહયોગ આપ્યો છે. તેમણે આ માટે વિપક્ષ સહિત ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.