આસ્ટોડિયા સર્કલ પાસે આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા

ચા-પાણી માટે કે નાસ્તો કરવા જતા લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરીને વાતોના વડાં કરતા નજરે પડે છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ જેવા મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે- દિવસે માથાના દુખાવા સમાન બની રહી છે. તંત્ર કામગીરી કરે છે પરંતુ પા‹કગને લઈને હજુ પણ સેલ્ફ ડીસિપ્લીનનો વાહન ચાલકોમાં અભાવ જોવા મળી રહયો છે. રસ્તાઓ નાના છે પરંતુ વાહનો વધતા ટ્રાફિક વધ્યો છે.
ત્યારે ક્યાંય પણ કામ માટે ઉભા રહીએ તો પોતાનું વાહન કઈ રીતે પાર્ક કરવુ તે અંગેની સમજણ હોવી સ્વાભાવિક વાત છે. બધા સ્થાનો પર ટ્રાફિક પોલીસ પહોંચી નહી શકે. ખાસ તો ચા-પાણી માટે કે નાસ્તો કરવા જતા લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરીને વાતોના વડાં કરતા નજરે પડે છે. એસ.ટી સર્કલ કે જેને આસ્ટોડિયા સર્કલ તરીકે શહેરીજનો ઓળખે છે ત્યાં ચાની દુકાનો- નાસ્તા પાણીની દુકાનો આવેલી છે.
રીક્ષાવાળા- વાહન ચાલકો ચા પીવા માટે ઉભા રહે છે તેની ના નહી, પરંતુ પોતાના વાહનો રસ્તા પર આડેધડ ઉભા રાખે છે એ લોકો જયાં સુધી ચા પીને ફી ના થાય ત્યાં સુધી વાહન પણ ખસેડે નહી. મતલબ ત્યાં સુધી વાહનો નીકાળવા મુશ્કેલ થઈ જાય છે સવારે ઓફિસના સમયે અને સાંજના સમયે ઓફિસથી પરત આવવાના સમયે આ સ્થળ પર વાહનચાલકો- રીક્ષાવાળા ચા પીવા ઉભા રહે છે.
કામ-ધંધાની બધાને છૂટ છે પરંતુ ત્યાંથી પસાર થતા વાહનોને તકલીફ ન પડે તે જોવાની જવાબદારી ચા-પાણી કરવા ઉભા રહેતા વાહનચાલકો અને દુકાનદારની પણ છે. વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરીને ચા-પાણી, નાસ્તો કરવાનો કોઈ ઈન્કાર હોઈ શકે નહી.
પરંતુ રોજબરોજ વધતા જતા સેંકડો વાહનોની વચ્ચે રસ્તો તો એટલો જ રહે છે ત્યારે સેલ્ફ ડીસિપ્લિનની જવાબદારી સૌ કોઈની છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર- નાગરિકોએ સહિયારો સાથ આપવો પડશે તો જ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.