ન્યૂજર્સી રોબિન્સવિલમાં BAPS અક્ષરધામ ખાતે યુવાઓએ મેળવી જીવનઘડતરની પ્રેરણા

‘સ્વામી મળવાથી’ – થીમ હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં શિષ્યના જીવનમાં ગુરુના અનન્ય પ્રભાવ વિષયક સ્વાનુભાવ-કથન રજૂ થયાં
· આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો સંગમ – ‘ઓગમેન્ટેડ રિયાલિટી’ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પ્રભાવશાળી પ્રસ્તુતિ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રૉબિન્સવિલમાં છેલ્લાં એક મહિનાથી ઉજવાઇ રહેલાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ” અંતર્ગત,
તા: 19 ઓગસ્ટના રોજ ‘સ્વામી મળવાથી’ થીમ હેઠળ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
‘કિશોર દિન’ તરીકે ઉજવાયેલા આ કાર્યક્રમમાં કિશોર-કિશોરીઓએ તેઓના જીવનમાં ગુરુ મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રભાવ અને માર્ગદર્શન વિશે વાત કરી હતી. ગુરુ જીવનમાં પ્રત્યેક ક્ષણે મિત્ર અને માર્ગદર્શક બની શિષ્યનું દિશાદર્શન કરતા રહે છે. શિષ્યનો પોતાના ગુરુ સાથેનો સંબંધ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે, આમૂલ પરિવર્તન પણ કરી નાખે છે. ગુરુનો મહિમા યથાર્થ સમજીને શિષ્ય સાચા અર્થમાં કેવી રીતે ગુરુ સાથે પોતાનું જોડાણ કરી શકે તેના ઉપર આ કાર્યક્રમમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના આરંભિક સત્રમાં યુવતીઓ દ્વારા પ્રેરક સ્વાનુભાવો રજૂ થયાં, જેમાં તેમણે જણાવ્યું કે ગુરુ સાથેના આધ્યાત્મિક જોડાણમાં સ્થૂળ અંતર બાધા ઉત્પન્ન કરી શકતું નથી. જીવનમાં સુખ-દુ:ખના સમયમાં કરાતી પ્રાર્થના હોય, ગુરુના આદેશથી કરાતી સેવા હોય કે પછી ગુરુના વિચરણના પ્રસંગો અને તેની સ્મૃતિઓ હોય – આ તમામ દ્વારા કેવી રીતે જીવનમાં ગુરુનું સાંનિધ્ય અનુભવી શકાય તે વિષયક રજૂઆત કરવામાં આવી હતી.
સંધ્યા કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ તેમના જીવનના કેટલાક સૌથી પડકારજનક એવા વિદ્યાર્થીકાળના વર્ષોમાં, કોલેજ પહેલાં અને દરમિયાન, કેવી રીતે મહંતસ્વામી મહારાજે તેઓની દૂરદર્શિતા દ્વારા, મૌખિક અથવા લેખિત માર્ગદર્શન દ્વારા હૂંફ આપી, તેના સ્વાનુભાવો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં બી.એ.પી.એસના યુવાનો દ્વારા ઓગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગ દ્વારા અનોખી ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
રોબિન્સવિલ ટાઉનશિપ કાઉન્સિલના પ્રમુખ ડેબોરાહ બ્લેકલીએ તેઓના વક્તવ્યમાં જણાવ્યું, “જીવનમાં જે કાર્યમાં તમને સુખ અને સાર્થકતાનો અનુભવ થાય, જેમાં તમને ઉત્સાહ હોય, તેવા કાર્યને ઓળખો. તેના દ્વારા તમે આસપાસના સમુદાયમાં, જેમકે શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રમાં પ્રદાન કરી શકો છો અને આધ્યાત્મિક સેવા પણ કરી શકો છો.”
એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સહ-સ્થાપક અને પ્રમુખ ડૉ. ચિરાગ પટેલે તેઓના વક્તવ્યમાં જણાવ્યું, “જો તમે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ ધરાવતા હશો તો વિશ્વ સુંદર લાગશે. તમે અહીં જે કાર્ય કરી રહ્યા છો અને આવનારી પેઢીઓ માટે જે વારસો તૈયાર કરી રહ્યા છો તે અકલ્પનીય છે. આવું કાર્ય ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી જ પાર પાડી શકાય.”
આ કાર્યક્રમમાં અન્ય અતિથિવિશેષોમાં – એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA) ના અધ્યક્ષ ભરત પટેલ, ટીવી એશિયાના અધ્યક્ષ અને સીઈઓ પદ્મશ્રી ડૉ. એચ.આર. શાહ, રોકેટ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ ડૉ. ગૌરવ શાહ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સહ-સ્થાપક અને પ્રમુખ ચિરાગ પટેલ, ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સમાપનમાં મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, “ જીવનમાં સુખ- દુ:ખ તો આવશે અને જશે, પરંતુ જો તમારી દ્રષ્ટિ આધ્યાત્મિક પ્રાપ્તિ ઉપર હશે તો આવા સુખ- દુ:ખ તમને વિચલિત નહીં કરી શકે.