ભરૂચ ખાતે મંત્રી પૂર્ણેશ મોદીએ સ્થળ નિરીક્ષક કરીને સમીક્ષા બેઠક યોજી

(પ્રતિનિધિ)ભરૂચ, આગામી તા.૧૦ ઓકટોબર સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જીલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવાના છે.જેને અનુલક્ષીને આજે આમોદ ખાતે વાહન વ્યવહાર,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં મંત્રીએ વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ – પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ,સુરક્ષા,પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ મંત્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા,પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત,જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ,નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ – પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.