કાંકરિયા તળાવ ખાતે યુવા મતદારોએ ‘વોલ પેઇન્ટિંગ’ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો
આર.જે.તિબ્રવાલ કોમર્સ કોલેજના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા હાથમાં બેનર અને પોસ્ટર્સ લઈ ‘મતદાન જાગૃતિ‘ રેલી યોજાઈ-કાંકરિયા તળાવે ફરવા આવેલા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ
મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેરનાં વિવિધ આઇકોનિક સ્થળો પર મતદાન જાગૃતિ અભિયાનનું કરાયું આયોજન
અમદાવાદ જિલ્લામાં આગામી તા. 7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક આઇકોનિક સ્થળ પર ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરના આઇકોનિક અટલબ્રિજ અને આઇકોનિક એરપોર્ટ રોડ પછી વધુ એક આઈકોનિક સ્થળ એવા કાંકરિયા તળાવ ખાતે યુવા મતદારો દ્વારા વોલ પેઇન્ટિંગ કરી ‘મતદાન જાગૃતિ’નો સંદેશો લોકોને આપવામાં આવ્યો હતો. આર.જે.તિબ્રવાલ કોમર્સ કોલેજના પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો તથા NSS યુનિટના યુવાનો દ્વારા કાંકરિયા તળાવ ખાતે ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ વખતના યુવા મતદારોએ કાંકરિયા તળાવ ખાતે ‘મતદાન જાગૃતિ’ના વિવિધ અને આકર્ષક વોલ પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતાં, જે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. તેમણે ‘એવરી વોટ કાઉન્ટ્સ’, ‘યોર વોટ યોર વોઈસ’, ‘અવસર લોકશાહીનો’, ‘વોટ ફોર ફ્યુચર’ જેવા અનેક સૂત્રો સાથે વોલ પેઇન્ટિંગ કરી ‘મતદાન જાગૃતિ’નો સંદેશો આપ્યો હતો.
યુવાઓએ કાંકરિયા તળાવની ફરતે રેલી યોજી ઉપસ્થિત સૌને મતદાન પર્વમાં સહભાગી થવાનો સંદેશો આપ્યો હતો. યુવાનો દ્વારા હાથમાં મતદાન જાગૃતિના વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, ‘વોટ ફોર સ્યોર’, ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ જેવા વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
કાંકરિયા તળાવ પર ફરવા આવેલા નાગરિકોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.