લુણાવાડા પંડ્યા કોલેજ ખાતે સાઈન કેમ્પેઇન દ્વારા વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે પ્રોત્સાહિત કરાયા
માહિતી બ્યુરો, મહીસાગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી તંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે, એવામાં નવા યુવા મતદારોને ચૂંટણીના મહત્વને સમજાવવા મનોરંજન અને સર્જનાત્મક પ્રવતિઓનો પણ બખુબી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યાના હસ્તે કલેક્ટર કચેરી ખાતેથી અચૂક મતદાન સંદર્ભે સામૂહિક ‘સાઈન કેમ્પેઈન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ નાગરિકો પાસેથી , હું મતદાન કરીશ એવી પ્રતિજ્ઞા લેવડાવી અને તેની નીચે સહી લેવામાં આવી.
આ ઉપરાંત વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને આગામી ચૂંટણીમાં પોતાનો અમુલ્ય મત આપી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવા અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત લુણાવાડા પંડ્યા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે સાઈન બોર્ડ અને સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા હતા આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી સી વી લટા અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે પ્રોત્સાહિત કર્યા હતા.