સરકારના સહયોગથી ચાલતી ગોકુલ આશ્રમ શાળામાં હાલ 140 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
16 જૂન – વર્લ્ડ ફાધર્સ ડે : અનાથ તેમજ આર્થિક રીતે અસહાય બાળકો માટે પાલક પિતા છે ભાવેશભાઈ પ્રજાપતિ
શાળામાં રહેતા તમામ બાળકોની પ્રાથમિક સુવિધાઓનું ધ્યાન પ્રિન્સિપાલ ભાવેશ પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા રાખવામાં આવે છે
આખી દુનિયામાં માતાને સન્માન આપવા માટે મધર્સ ડે મનાવવામાં આવે છે. તે પ્રકારે જ પિતાને સન્માન આપવા માટે ફાધર્સ ડે પણ મનાવવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવાતો ફાધર્સ ડે આ વર્ષે 16મી જૂને સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. ફાધર્સ ડેને અલગ અલગ અંદાજમાં મનાવવામાં આવે છે.
સામાન્ય કુટુંબમાં રહેતા બાળકો પિતાને ગિફ્ટ કે પાર્ટી આપીને આ દિવસની ઉજવણી કરે છે. આજે એક એવા પિતાની વાત કરવી છે, જે ભલે પાલક પિતાની ભૂમિકા ભજવતા હોય, પરંતુ સેંકડો બાળકો માટે તેઓ એક પિતા સમાન છે. તેમનું નામ છે – ભાવેશભાઈ પ્રજાપતિ. .
વર્ષ 1989માં સ્થપાયેલી ગોકુલ અનુસૂચિત નિવાસી પ્રાથમિક શાળા અનાથ તેમજ આર્થિક રીતે અસહાય બાળકો માટે આશીર્વાદ સમાન છે. ગોકુલ આશ્રમશાળા વસંતનગર, ગોતામાં વિસ્તારમાં આવેલ છે. રાજ્ય સરકારના આર્થિક સહયોગથી ચાલતી આ શાળામાં હાલ 140 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ગોકુલ આશ્રમ શાળામાં 2006ના વર્ષથી જોડાયેલા ભાવેશભાઈ પ્રજાપતિ હાલ શાળામાં પ્રિન્સિપાલની ફરજ બજાવે છે. તે આ 140 બાળકો માટે પિતા સમાન છે. સામાન્ય કુટુંબમાં આજના દિવસે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અહીં રહેતા બાળકો માટે ભાવેશભાઈ પિતા સમાન છે. અહીં રહેતા તમામ બાળકો ભાવેશભાઈ સાથે રહીને ફાધર્સ ડે ની ઉજવણી કરે છે તથા ભાવેશભાઈને ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવે છે.
ગોકુલ આશ્રમ શાળામાં એકથી આઠ ધોરણ સુધીના વર્ગો ચાલે છે. તેમજ અહીં રહેતા વિદ્યાર્થીઓની તમામ મૂળભૂત જરૂરિયાતો ભાવેશભાઈ અને સ્કૂલમાં અભ્યાસ કરાવતા પાંચ શિક્ષકો તથા સ્ટાફ દ્વારા પૂરી કરવામાં આવે છે. કોરોના કાળમાં પણ રાજ્ય સરકારની એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં અહીં રહેતા બાળકોને પોતાનાથી દૂર રહેલા ઘરની યાદ ન આવે તે માટે દરેક તહેવારની શાળા ખાતે જ ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.
ભાવેશભાઈના જણાવ્યા અનુસાર, શાળા દ્વારા દર વર્ષે પછાત વિસ્તારમાં રહેતા બાળકોને પ્રવેશ કરાવવા માટે અનેક જગ્યાએ કેમ્પેઇન કરે છે. શાળામાં રહેતા બાળકોની તમામ પ્રાથમિક તથા મૂળભૂત સુવિધાઓનું ધ્યાન ભાવેશભાઈ પ્રજાપતિ તથા ત્યાં જોડાયેલા સ્ટાફ દ્વારા રાખવામાં આવે છે.
વધુમાં ભાવેશભાઈ જણાવે છે કે, દર વર્ષે શાળામાં ભણતા બાળકો માટે સ્કૂલ પિકનિક અને વાર્ષિકોત્સવ જેવી ઘણી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા દર વર્ષે અલગ અલગ હોસ્પિટલનો સંપર્ક સાધીને શાળામાં જ મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવે છે. આ સિવાય બાળકોમાં સાસ્કૃતિક સમજ અને સંસ્કારનું સીંચન થાય, એટલે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવે છે. -શ્રુતિ પી. જૈન