તલાલા ખાતે 5.77 કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે
ગીર સોમનાથ જિલ્લામાં એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, છ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો માટે જન સુવિધાઓમાં ઉતરોત્તર વધારો કરવાના મંત્ર સાથે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે રૂ. ૫.૭૭ કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે તે માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે.
વિધાનસભા ખાતે તલાલા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તલાલા ખાતે હાલ જે સી.એચ.સી કાર્યરત છે ત્યાં જ નવીન મકાનનું બાંધકામ કરવામાં આવનાર છે. ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે એ માટે એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, છ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલમાં ૧૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે. ગીર ગઢડા અને ઉના તાલુકામાં બે પેટા જિલ્લા હોસ્પિટલો હાલ સી.એચ.સી ખાતે કાર્યરત છે. જે બંનેમાં ૫૦-૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે.
વેરાવળ ખાતેની જિલ્લા હોસ્પિટલમાં સ્ટાફની અછત અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, ભરતીની પ્રક્રિયા એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. રાજ્યમાં બોન્ડેડ તબીબોના હુકમો કરી દેવાયા છે. પરંતુ અમુક જગ્યાએ તબીબો હાજર નથી થયા અને લાંબી રજા પર હોવાના કારણે થોડા પ્રશ્નો છે જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને સત્વરે આ કામગીરી પૂર્ણ કરીને તબીબોને મુકવાની કામગીરી કરવામાં આવશે.