Western Times News

Gujarati News

તમે સંબંધને તમારાં જીવનમાં ક્યા સ્તરે લઇ જવા માંગો છો ?

નો એક્સપાયરી ડેટ …! તમે કોની સાથે છો ? તમે કોની સાથે ક્યા અને કેવા સબંધથી જાેડાયેલાં છો ?તમે એ સબંધને તમારાં જીવનમાં ક્યા સ્તરે લઇ જવા માંગો છો ?

આ ત્રણે સવાલોનું અને એના જવાબોનું દરેકનાં જીવનમાં અલગ- અલગ મહત્વનું હોય છે . પરંતુ , કોનો સથવારો તમારાં જીવનની સફરને આસાન બનાવશે ,કોણ તમને ખુશ જાેવા પ્રયત્નો કરશે એ અંગેનો ર્નિણય લેવો એ હાથમાં હોય છે .તમારી પસંદગી જ મોટાભાગે તમારા વ્યક્તિત્વનો આઇનો બની રહે છે ‘તમે મને તમારા મિત્રો સાથે મળાવો ,હું તમારા વિચારો વિષે ઉંડાણથી કહીશ એક પ્રસિદ્દ ફિલિસોફરની આ ઉક્તિ મને બંધબેસતી લાગે છે . મિત્રો કેવાં હોવા જાેઈએ એની ચર્ચા હું અહીં નહીં કરું …!

પણ , મિત્રોની પસંદગી તમને જીવનમાં ક્યાં લઇ જઈ શકે છે ,એ જરૂર કહીશ. કેટલીક વાર આપણે વાંચીયે છીએ કે જે આપણને સમય આપે એ જ આપણો સાચો મિત્ર , બીજું , સબંધ એક છોડ જેવો છે ,જેમ છોડને પાણી પાવું જરૂરી છે એમ , સબંધમાં એકબીજાનું સાનિધ્ય પણ એટલું જરૂરી છે .

ભૂલી જવાથી સબંધ સુકાઈ જાય છે વિગેરે વિગેરે …
મારા મતે સબંધ માટે જાે કોઈ પરિબળ ખુબ જ મહત્વનું છે તો એ છે ,પોતાનાં પાર્ટનર માટેનો પ્રેમ , લાગણી, કાળજી ,સંભાળ અને સૌથી મહત્વનું છે ‘આદર’ એકબીજા માટે આદર એટલેકે રિસ્પેક્ટની ભાવના હોવી એ સૌથી અગત્યની ચાવી છે, જેનાથી બંધ થયેલાં સબંધના મોટા મોટા દરવાજા ખોલી શકાય છે .

અમેરિકામાં અને પશ્ચિમના ઘણાં દેશોમાં પ્રતિ વર્ષ – જાેય ઓફ ગિવીંગ વીક એવી ઉજવણી કરાય છે .સબંધ ત્યારેજ ટકે છે જયારે તેમા બીજાને સુખ આપવું એવી ભાવના સમાયેલી હોય .ચીજાેની લેતી-દેતી તો સામાન્ય છે ,પણ જયારે સબંધમાં સંવેદનાની લેતી-દેતીની શરૂઆત થવાં લાગે ત્યારે તેની મધુરતા કડવાશમાં પરિણમે છે .પાર્ટનરની વાત અને વર્તનમાં અણગમાની ભાવના વધતી જાય છે ત્યારે બન્ને પક્ષને એ સબંધનું એમનાં જીવનમાં કેટલું મૂલ્ય છે ? એ વિચારવાંનો સાચો સમય આવી ગયો છે એમ કહી શકીયે .

સને ૧૯૫૪માં સાહિત્યનું નોબલ મેળવનાર અમેરિકન સાહિત્યકાર ‘અર્નેસ્ટ હેમિગ્વે ‘એ પોતાનાં પુસ્તક ‘ ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી ‘માં લખ્યું છે કે ,માનવીના ભીતરમાં સુખ અને દુઃખનો ખજાનો છે .કોઈને સમજવાં માટે દરેકે બીજાના મનની ભીતર ડોકિયું કરવું પડશે .

બાહ્ય દેખાવ વ્યક્તિને તમારી નજીક લાવી તો શકે છે પણ તમારાં સબંધને ચિરાયુ કરવાં એકબીજા પર વિશ્વાસ રાખી જીવન જીવવું જરૂરી છે .સબંધને નવપલ્લવિત રાખવાં વર્તનની સાથેસાથે વાણીમાં મીઠાસ હોવી જરૂરી છે .
શબ્દોનો પણ સ્વાદ હોય છે ,એ વાતતો સૌકોઈ જાણે છે .હમણાં મને એક સાહિત્યકાર મિત્ર કહ્યું કે ,’ તમે બહુ સારું સારું લખો છો .મને એ વાતનું સ્હેજપણ આશ્ચર્ય ન થયું .

કારણકે એમને મીઠાશનું વરદાન જ મળ્યું નથી .મને લાગ્યું તેઓને કદાચ ખારાશ અને ખટાશનો અભિશાપ મળ્યો હશે .જીવનમાં ક્યારેય કદાચ કોઈ વિષે સારું નહીં બોલ્યા હોય . સંત સુરદાસ હોય કે રહીમ હોય ,એમનો સૂર પણ એ રહ્યો છે કે ,’બોલો , મીઠે બોલ – તોલ મોલ કે બોલ .’ મીઠું કે સારું બોલવામાં ક્યાં કોઈ કરવેરો ભરવો પડે છે ?

સબંધમાં શબ્દોની મીઠાસ કેટલીક વાર અદ્રશ્ય થઇ જાય ત્યારે … સબંધ ડગમગ થવાં લાગે છે .ઉષ્મા અને ઉમળકો સબંધની ઇમારતમાં બે મજબૂત પાયા છે .એની ગેરહાજરી માણસને નીરસ બનાવતો જાય છે અને એક દિવસ સબંધ મૃતઃપ્રાય બની જાય છે .

વ્યક્તિનું વર્તન ઘણીવાર આત્મકેન્દ્રી બનું જાય ત્યારે તે બીજાના અસ્તિત્વની પણ અવગણના કરવા લાગે છે .શબ્દોના ઝેરની સાથોસાથ વ્યક્તિના આંખનું ઝેર પણ એટલું જ ખરાબ પરિણામ લાવી મૂકે છે .વ્યક્તિના શબ્દોની કટુતા તેને દરેક સબંધમાં અલ્પવિરામની નજીક લાવી દે છે .સબંધ ઉતાર -ચઢાણવાળા રસ્તેથી પસાર થાય તો પણ ,એને કેવી રીતે મજબૂત બનાવવો એ બન્નેની એ સબંધની એમનાં જીવનમાં કેટલી અગ્રીમતા છે એ નક્કી કરશે.જીવનમાં અને વિચારોનું નાવીન્ય સબંધને નવો અને સુંદર આકાર આપે છે .સમય વીતે એમ સબંધને વધુ મજબૂત બનાવવાં વ્યક્તિની વિચારધારા ને અપડેટની કરવી પડે છે .
સબંધ એટલે બે વ્યક્તિના અંતરથી થયેલું જાેડાણ .લોહીના સબંધ હોય કે અંતરના … બન્નેને ટકાવી રાખવાં પારદર્શિતા અને નિખાલસતા એ એની પ્રથમ આવશ્યકતાં છે .બીજાની સાથે દરેક પરિસ્થિતિમાં વગર અપેક્ષાએ ઉભા રહેનાર સબંધનું સાચું મૂલ્ય સમજી શક્યો છે એવું કહી શકાય .આવા કસબીઓ મોટી કિંમત ચૂકવતાં પણ નથી મળતાં . વ્યક્તિત્વનો આઇનો માણસને સાચા સમયે ઘણાં બધા સત્યોનો પરિચય કરાવે છે .

સબંધોમાં રહેલી જવાબદારીઓ ,ફરજાે અને નવા વચનો માણસને સમાધાનકારી વલણ અપનાવવાનું કહે છે .જીવનની સુંદરતા સંબધોની સાચી જાળવણીમાં રહેલી છે . વ્યક્તિના દ્રષ્ટિકોણ સબંધને યોગ્ય સ્વરૂપ આપે છે . વ્યક્તિનો હકારાત્મકતા દ્રષ્ટિકોણ વર્તમાન અને ભવિષ્યમાં સબંધોને આયોજનબદ્ધ રીતે ઓપ આપી શકે છે ,

જયારે નકારાત્મકતા સબંધોને વર્તમાનમાંજ દફનાવી દે છે . બીજાને ખુશી આપવાની વૃત્તિ સબંધને અલગ મજબૂતાઈ આપે છે .

બૌદ્ધિક સ્તર ભલે ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય ,એ સુદ્રઢ સબંધો નથી આપતું …. પ્રામાણિકતા અને નિખલસતા સંબંધોને પારદર્શિતા આપે છે .લાગણીના તાર સબંધોની આસપાસ વીંટળાયેલા રહે છે ,એમાં વીજળી ફરતી કરવાનું કામ કરવાં વ્યક્તિમાં રહેલી પૂર્ણસમર્પણ વૃત્તિ કરે છે .

સાચા અર્થમાં સમજણ સાથેનો પ્રેમ એટલે સાચા સબંધની શરૂઆત. ગેરસમજણ સંબંધોને અંદરથી ખોખલાં કરી મૂકે છે .એક દોસ્તની જેમ પોતાનાં પાર્ટનરને સમજાવી શકે એ વ્યક્તિ લાખો માણસોનાં દિલ જીતી શકે છે .જયારે કોઈ સબંધ તૂટે ત્યારે પરિસ્થિતિને એક સિક્કાની જેમ બન્ને પક્ષેથી વિચારીને મુલવવી જાેઈએ .

કોઈની એક સાઈડ જાેઈને અથવા કોઈના વિષે કોઈ પ્રકારનું અનુમાન બાંધીને આપણે સંબંધોને અધવચ્ચે છોડી દઈ ,પૂર્ણવિરામ મૂકી દેતાં હોઈએ છીએ …. પણ એવું કરવાનું ટાળવું જાેઈએ . આવી ભૂલો હરકોઈથી થઇ શકે છે , પણ સમય આવ્યે સમજીજનાર સંબધોની મુડીને વધારતો જાય છે .

લોકો ભલે કહેતાંહોય જે , દરેક સબંધને એક્સપાયરી ડેટ હોય છે .પણ …કવિ શ્રી , દિલીપ પરીખની પંક્તિ અહીં યાદ આવે છે . બીજાની તકલીફોને પોતાની સમજનાર વ્યક્તિ સંબંધને યોગ્ય ન્યાય આપી વધુ ઉષ્માસભર બનાવી શકશે.
‘માફક ન આવે , જયારે ઉનાળુ હવા તને , આવીશ તારી પાસ હું શીતળ સમીર જેમ ‘ દરેક સબંધ માનવીને લાગણીની દુનિયામાં વધુને વધુ ધનાઢ્ય બનાવે છે એવું હું ચોક્કસ પણે માનું છું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.