સલમાન ખાન અને રજનીકાંતને પહેલી વાર સાથે લાવશે એટલી
મુંબઈ, એટલી એક એવી ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે, જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. કેટલાંક વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર એટલી ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે, જેમાં તે ભારતીય સિનેમાના બે સૌથી મોટા સુપર સ્ટાર સલમાન ખાન અને રજનીકાંતને એક સાથે લાવશે.
આ જ સૂત્રના જણાવ્યા અનુસાર એટલી સલમાન ખાન અને રજનીકાંત સાથે આવતા મહિને મિટીંગ કરશે. સૂત્રના જણાવ્યા અનુસાર, “સન પિક્ચર્સ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને તેમને સુપરસ્ટાર રજનીકાંત સાથે પરિવાર જેવા સંબંધો છે. જ્યારે એટલી સલમાન ખાન સાથે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં છે. તેમને વિશ્વાસ છે કે રજનીકાંત અને સલમાન ખાન બંને એક સાથે કામ કરવા રાજી થઈ જશે.”
હજુ આ ફિલ્મનું કોઈ નામ નક્કી થયું નથી, પરંતુ ૨૦૨૪ના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,“સલમાન ખાન ‘સિકંદર’ પૂરી કરીને પછી એટલીની ફિલ્મનું કામ શરૂ કરશે. જ્યારે સુપરસ્ટાર રજનીકાંત ‘કૂલી’ના ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એવું કોમ્બિનેશન બનશે જે વર્ષાે સુધી લોકોને યાદ રહેશે.” એટલીએ છેલ્લે શાહરુખ ખાન સાથે ‘જવાન’ ફિલ્મ કરી હતી.
સલમાન ખાન સાથે એટલીએ બિગ બજેટ ફિલ્મ પ્લાન કરી હોવાનું પાછલા કેટલાક સમયથી સંભળાઈ રહ્યું છે. રિપોટ્ર્સ મુજબ, એટલીએ એક્શન-થ્રિલરથી ભરપૂર ફિલ્મ માટે અગાઉ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનનો સંપર્ક કર્યાે હતો. શરૂઆતમાં અલ્લુએ એટલીની ફિલ્મમાં રસ બતાવ્યો હતો, પરંતુ બાદમાં વાત ખાસ આગળ વધી નહીં.
અલ્લુએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડ્યા બાદ એટલીએ સલમાન ખાનનો સંપર્ક કર્યાે હતો. અલ્લુ અર્જુને રીજેક્ટ કરેલી ફિલ્મને સલમાન ખાને સ્વીકારી હોવાની વાત વહેતી થતાં ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. તાજેતરમાં આવેલા કેટલાક રિપોટ્ર્સ મુજબ, એટલીએ સલમાન અને રજનીકાંતને સાથે રાખીને બિગ બજેટ ફિલ્મ પ્લાન કરી છે.
આ ફિલ્મને સન પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહ્યું હોવાથી બજેટની મર્યાદા નડવાની નથી. પ્રભાસ-અમિતાભ બચ્ચનનની ‘કલ્કિ’ કરતાં પણ વધારે ભવ્ય ફિલ્મ બનાવવાનો પ્લાન છે. જો કે, અલ્લુના ઈનકાર બાદ સલમાનને મળેલી ફિલ્મ અને રજનીકાંત સાથે લીડ રોલમાં ઓફર થયેલી ફિલ્મ એક જ હોવાની શક્યતા પણ વધી છે. રજનીકાંતની કરિયરની ૧૭૨મી ફિલ્મનું ડાયરેક્શન એટલી કરે તેવી શક્યતા છે.
રજનીકાંત અને સલમાન ખાને અગાઉ ક્યારેય સાથે કામ કર્યું નથી, તેથી બે સુપરસ્ટાર્સની બિગ બજેટ ફિલ્મની ચર્ચા શરૂ થતાં જ દરેકના કાન સરવા થઈ ગયાં છે. આ અંગે ઓફિશિયલ અપડેટ હજુ આવ્યું નથી ત્યારે કલ્પનાના ઘોડાં વધારે ઝડપથી દોડી રહ્યાં છે અને ‘કલ્કિ’ની રિલીઝ પહેલાં જ તેની સાથે સરખામણી શરૂ થઈ ગઈ છે.SS1MS