ATMમાં નાણાં ભરતી કંપનીના કર્મચારીઓએ આચરેલી છેતરપીંડી
એટીએમમાં નાણાં ભરતી વખતે કેસેટો બદલી ખોટી રિસીપ્ટો બનાવી પાંચ કર્મચારીઓએ રૂ.૩.૯ર કરોડની ઉચાપત કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં નાણાં ભરતી મુંબઈની એક કંપનીના અમદાવાદના પાંચ કર્મચારીઓએ અગિયાર મહિનામાં નાણાં ભરતી વખતે ખોટી રીસીપ્ટો બનાવી કુલ રૂ.૩.૯ર કરોડની છેતરપીંડી આચરતા સનસનાટી મચી ગઈ છે આ અંગે કંપનીની અમદાવાદ બ્રાંચના મેનેજરે પાંચ શખ્સો વિરૂધ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં બેંકોના એટીએમ સેન્ટરોમાં રૂપિયા ભરવા માટે મુંબઈની લોજીકેસ સોલ્યુશન પ્રા.લિ. નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ કંપનીની ગુજરાતમાં અમદાવાદ ખાતે પાંજરાપોળ વિસ્તારમાં મુખ્ય શાખા આવેલી છે અને છેલ્લા ઘણા સમયથી આ કંપની દ્વારા બેંકોના એટીએમ સેન્ટરોમાં પોલીસ બંદોબસ્ત સાથે એટીએમમાં નાણાં ભરવામાં આવી રહયા છે. છેલ્લા કેટલાક મહિનાથી એટીએમ સેન્ટરોમાં ભરવા માટે આપેલા નાણાં કરતા ઓછી રકમ ભરાતી હોવાની બેંકોની ફરિયાદ મળી હતી
જેના આધારે કંપનીએ તપાસ કરતા નાણાં ભરતી વખતે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ સ્થિત મુખ્ય બ્રાંચ ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈએ ખાનગીરાહે તપાસ કરાવી હતી જેમાં નાણાં ભરનાર પાંચ કર્મચારીઓના નામો બહાર આવ્યા હતા. જેમાં (૧) અરૂણ આનંદકુમાર દુબે (ર) નિશાંત સંજયભાઈ ર્(૩) સંજીવ શીખરવાલા (૪) ચંદ્રપ્રકાશ શર્મા અને (પ) કિશન મકવાણાનો સમાવેશ થાય છે. બેંકોની ફરિયાદ બાદ નાણાંની તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પાંચેય આરોપીઓ જાન્યુઆરીથી લઈ નવેમ્બર સુધીના ગાળામાં એટીએમ સેન્ટરમાં નાણાં ભરવા જતા હતા ત્યારે એટીએમ સેન્ટરની કેસેટો બદલી ખોટી રિસીપ્ટો બનાવી નિયત કરતા ઓછી રકમ ભરતા હતા અને બાકીની રકમ ચાઉ કરી જતા હતાં
જેના આધારે છેલ્લા અગિયાર મહિનાનો ડેટા મેળવવામાં આવ્યો હતો. તમામ એટીએમ સેન્ટરો પરથી ડેટા મેળવ્યા બાદ તેની તારવણી શરૂ કરવામાં આવી હતી જેમાં મોટાભાગના એટીએમ સેન્ટરો પર આ પાંચેય આરોપીઓએ નિયત કરેલી રકમ કરતા ઓછી રકમ ભરી હોવાનું બહાર આવ્યું હતું. આ રકમ કુલ રૂ.૩.૯ર કરોડ જેટલી થવા જાય છે.
પાંચેય આરોપીઓએ આટલી મોટી રકમની ઉચાપત કરતા લોઝીકેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તેમણે તાત્કાલિક અમદાવાદ બ્રાંચ મેનેજર શૈલેષભાઈને આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું જેના આધારે શૈલેષભાઈએ તમામ પુરાવા સાથે આ પાંચેય આરોપીઓ વિરૂધ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.