ATMમાંથી ગઠીયાએ ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરી
અમદાવાદ, સામાન્ય રીતે એ.ટી.એમ ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જાે કે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. એટીએમમાંથી ગઠિયો રૂપિયા નહિ પરંતુ ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ વિચિત્ર ઘટના સામે આવતા પોલીસ અને બેંક સ્ટાફ પણ વિચારમાં પડ્યો છે. પરિમલ ગાર્ડન પાસે આવેલ ધી કાલુપુર કોમ.
કો.ઓ.બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા તારક પરીખે એલિસબ્રીજ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગત ૨૪મી જાન્યુઆરીએ જ્યારે બેંકમાં હાજર હતા ત્યારે બે ગ્રાહક તેમની પાસે આવ્યા હતા. બંને ગ્રાહક એટીએમમાં આવેલ ડ્રોપ બોક્સમાં ચેક નાખ્યા હોવા છતાં તેમના ચેક ક્લિયર થયા ના હોવાની ફરિયાદ કરી હતી.
બે ફરિયાદ મળતા બેંકના કર્મચારી સાથે વાત કરતા આવા કોઇ ચેક જ નહી આવ્યાનું સામે આવ્યું હતું. જેથી શંકા જતા બેંકના સ્ટાફે સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે, બે ગઠીયાઓ એટીએમ સેન્ટરમાં રહેલા ડ્રોપ બોક્ષમાંથી ચેક ઉઠાવી રહ્યા હતા.
ખાસ સાધન વડે ડ્રોપ બોક્ષ ખોલીને તેમાં રહેલા ચેકની ચોરી કરી રહ્યા હોવાનું સામે આવતા જ બેંક તો સાવધ થઇ જ હતી પરંતુ આ ઠગાઇનો નવો અને વિચિત્ર કિસ્સો પણ સામે આવતા બેંક ચોંકી ઉઠી હતી. હાલ તો આ ટ્રાન્ઝેક્શન અંગે બેંક તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત પોલીસે પણ આ ગઠીયાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.SSS