Western Times News

Gujarati News

ATM યુઝર્સએ ૧ મેથી બેલેન્સ ચેક પર ચૂકવવો પડશે વધુ ચાર્જ

(એજન્સી)નવી દિલ્હી, ૧ મે, ૨૦૨૫થી એટીએમના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી રોકડ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા માટે તમારે વધારાની ફી ચૂકવવી પડશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ હવે અન્ય બેંકના એટીએમથી ટ્રાન્ઝેક્શન કરવું વધુ મોંઘું થશે.

આરબીઆઈએ એટીએમ માંથી રોકડ ઉપાડ અને બેલેન્સ ચેક જેવા વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે, જે ૧ મે, ૨૦૨૫ થી અમલમાં આવશે. હાલમાં, મફત મર્યાદા સમાપ્ત થયા પછી, એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ઉપાડ ૧૭ રૂપિયા ફી વસૂલવામાં આવે છે. ૧ મેથી, આ ફી પ્રતિ ઉપાડ ૧૯ રૂપિયા રહેશે.
આરબીઆઈએ બેંકોને મફત મર્યાદા પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ૨૩ રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે.

૧ મે, ૨૦૨૫ થી, એટીએમમાં બેલેન્સ ચેક કરવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ૭ રૂપિયાનો ચાર્જ લાગશે. હાલમાં, પ્રતિ બેલેન્સ પૂછપરછ માટે ૬ રૂપિયા વસૂલવામાં આવતા હતા. તમારી બેંકના એટીએમ માંથી દર મહિને ૫ મફત વ્યવહારો જેમાં રોકડ ઉપાડ અને ઉપાડ ન કરવા (જેમ કે બેંક બેલેન્સ તપાસવું, મીની સ્ટેટમેન્ટ જનરેટ કરવું વગેરે)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમમાંથી પાંચ મફત વ્યવહારો અને નોન-મેટ્રો શહેરોમાં છ મફત વ્યવહારો કરી શકાય છે. મફત મર્યાદા પૂરી થયા પછી, તમારે દરેક વ્યવહાર પર રોકડ ઉપાડ માટે ૧૯ રૂપિયા અને બેલેન્સ ચેક કરવા માટે ૭ રૂપિયા ચૂકવવા પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.