વૃદ્ધોને વાતમાં ફસાવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા ૨ આરોપીઓ ઝડપાયા

પકડાયેલ આરોપી પાસેથી બીજી અલગ અલગ બેંકના કુલ ૨૩ એ.ટી.એમ. કાર્ડ પણ મળી આવેલ છે,
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન પોલીસે એટીએમ કાર્ડ બદલીને વૃદ્ધો સાથે છેતરપીંડી કરનારા બે આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૨૩ જેટલા કાર્ડ મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાવાની શકયતા છે.
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા રહે. વિશાલનગર, ઈસનપુર, અમદાવાદ ગોવિંદવાડી ખાતે આવેલ એક્સિસ બેન્કના એટીએમ માં રૂપિયા ઉપાડવા ગયેલ તે વખતે અજાણ્યા આરોપીએ એટીએમમાં ખરાબી હોવાનું જણાવી, મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી, પોતાનું એટીએમ કાર્ડ લઈ, તેની જગ્યા કોઈ ઘાટલોડિયાના શખ્સનું એટીએમ કાર્ડ આપી, એટીએમ કાર્ડ બદલાવી, તે દિવસે અને બીજા દિવસે જુદા જુદા એટીએમ ખાતે જઈ, કુલ રૂ. ૮૦,૦૦૦/- ઉપાડી લઈ, ગુન્હો આચરવામાં આવતા, ફરિયાદી રાજેશકુમાર અંબાલાલ કાછિયા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ એન.આર.સોલંકી તથા સ્ટાફના હે.કો. પ્રદિપભાઇ, પો.કો. માનસંગભાઇ, અલ્તાફભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ સીસીટીવી આધારે તથા બાતમીદાર થી મળેલ માહિતી આધારે આરોપીઓ (૧) નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી ઉવ. ૫૫ રહે. માખણજ ગામ
તા. જોટાણા જી. મહેસાણા તથા (૨) શૈલેષભાઈ કનુભાઈ સલાટ ઉવ. ૩૭ રહે. સૂરજ તા. જોટાણા જી. મહેસાણાની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરી કરેલ મુદામાલ રોકડ રૂ. ૮૦,૦૦૦/- કબ્જે કરવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી પાસેથી બીજી અલગ અલગ બેંકના કુલ ૨૩ એ.ટી.એમ. કાર્ડ પણ મળી આવેલ છે, જેથી એ.ટી.એમ. કાર્ડ આધારે કાર્ડ કોના છે અને ક્યાંથી લાવેલ છે ? જે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે. પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ નાગજી રબારી અને શૈલેષ સલાટની પૂછપરછ કરવામાં આવતા, બંને બાજુબાજુના ગામમાં રહેતા હોય, એકબીજાને ઓળખે છે.