ATMમાં પટ્ટી મૂકી ગ્રાહકોનાં નાણાં સેરવી લેતી ગેંગના બે ઝડપાયા

આણંદ, વિદ્યાનગરના એટીએમમાં પટ્ટી મૂકી ગ્રાહકોના રૂ.પ૧,૬૦૦ કાઢી લેનાર ઉત્તર પ્રદેશની ટોળકી અને સુરતમાં સ્થાયી થયેલા બે સાગરિતોને ઝડપી લેવામાં આવ્યા છે. ત્રીજા સાગરિતને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વલ્લભ વિદ્યાનગરમાં ૬ માર્ચે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની નાના બજાર, રઘુવીર ચેમ્બર પાસે આવેલા એટીએમમાંથી ગ્રાહકોની રકમ ડેબિટ થતી પરંતુ તેમને મળતી નહોતી. ગ્રાહકોએ આણંદ ખાતે મુખ્ય શાખામાં રજૂઆત કરી હતી. જેને પગલે ચીફ મેનેજર એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
જેમાં કોઈ શખ્સ દ્વારા એટીએમમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી રાખી અવરોધ કર્યો હતો જેમાં ગ્રાહકોના ઉપાડેલા નાણાં મશીનમાંથી શટરમાંથી બહાર નીકળતા ન હતા અને ગ્રાહક એટીએમ સેન્ટરમાંથી બહાર નીકળી જાય અટલે શખ્સ અંદર પ્રવેશ કરી પટ્ટી હટાવી નાણાં લઈ લેતો હતો. ચીફ મેનેજરે તપાસ કરતા જુદા જુદા ગ્રાહકોના રૂ.પ૧,૬૦૦ આ રીતે ગઠિયાએ તફડાવી લીધા હતા.
તેનાથી એટીએમને પણ નુકસાન પહોંચ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એટીએમ બહાર જે કાર જોવા મળી હતી તેવી જ કાર વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડની બાજુમાં જોવા મળતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી.
મંગલા શિરોમણી યાદવ (ઉ.વ.૩પ, રહે.સાંઈધામ સોસાયટી, ગોડદરા રેલવે ફાટક નજીક જે.ડી. ઈન્ટરનેશનલ સ્કૂલની પાસે, સુરત) તથા ક્રિષ્ના દેવી પ્રસાદ ઉપાધ્યાય (ઉ.વ.૩૬, રહે.પ્લોટ નંબર ૪૮, શિવ રેસિડેન્સી, ડિંડોલી ખરવાસા રોડ, ડિંડોલી, તા.જિ.સુરત)ને ઝડપી લીધા હતા.