Western Times News

Gujarati News

એટીએસનો ધડાકો : ૨૦૦ બોગસ લાઇસન્સને આધારે હથિયારો, કારતૂસની ખરીદી થઇ

અમદાવાદ, બોગસ લાઇસન્સના આધારે હથિયારો-કારતૂસ ખરીદીનો આંક પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય કોર્ટમાં એટીએસએ કરેલી એફિડેવિટમાં એવો ઘટસ્ફોટ કર્યાે છે કે, મુખ્ય આરોપીઓએ ગુજરાતમાં ૧૫૦થી ૨૦૦ બોગસ લાઇસન્સ અપાવ્યા હતા.

જેના આધારે મોટા પાયે હથિયારો-કારતૂસની ખરીદી થઇ છે. હાલ પોલીસે જપ્ત કરેલા હથિયાર એફએસએલમાં મોકલી આપ્યા છે, પરંતુ તેનો અભિપ્રાય આવવાનો બાકી છે.

બીજી તરફ મંગળવારે બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડમાં સાત આરોપીની જામીન અરજી પર સુનાવણી યોજવામાં આવશે. બોગસ લાઇસન્સના આધારે હથિયાર-કારતૂસ ખરીદી કરવાના કેસમાં ઝડપાયેલા જયેશ ઉર્ફે નનુ દેવાભાઇ સરૈયા, કનુભાઇ વનાભાઇ ગમારા, પિયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઇ દેસાઇ, સતિષ મોહનભાઇ ગમારા, રમેશભાઇ કુંવરાભાઇ વરુ, અશોક રમેશભાઇ કલોત્રા અને ઉમેશ ઉર્ફે બાબુ ડાહ્યાભાઇ આલે જામીન મેળવવા અરજી કરી છે.

જેમાં તેમના એડવોકેટ જગત વી. પટેલ અને નિસાર વૈદ્યે એવી રજૂઆત કરી છે કે, અમે કોઇ જ હથિયાર લાઇસન્સ બનાવ્યા નથી, અમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, અમે કોઇ જ સરકારી દસ્તાવેજ બોગસ રીતે બનાવ્યો નથી કે ક્યાંય રજૂ કર્યાે નથી, અમને તો હથિયાર લાઇસન્સ બોગસ હોવાની પણ જાણ ન હતી, અમને જેમને લાઇસન્સ અપાવ્યા તેમણે તે ઓરિજનલ અને માન્ય હોવાનું કહી આપ્યા છે.

આમ, અમે આરોપી નહીં, પરંતુ ભોગ બનનાર છીએ, અમે નિર્દાેષ છીએ અને ક્યાંય નાસી કે ભાગી જઇએ તેમ નથી, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ. તેથી જામીન મુક્ત કરવા જોઇએ.

બીજી તરફ એટીએસએ કરેલી એફિડેવિટમાં એવી રજૂઆત કરી છે કે, જયેશ સરૈયા, કનુભાઇ ગમારા, પિયુષ દેસાઇ અને સતીષ ગમારાને મુકેશ રણછોડભાઇ બામ્ભાએ ૧૦-૧૦ લાખ રૂપિયા લઇ તમેન્ગલોન્ગ મણિપુરના વર્ષ ૨૦૨૫માં હથિયાર લાઇસન્સ આપ્યા હતા, પરંતુ લાઇસન્સમાં તારીખ ૨૦૧૭ની લખવામાં આવ્યું છે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો બોગસ સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે, જ્યારે રમેશ, ઉમેશ અને અશોકના લાઇસન્સ વિરાજ નામના આરોપીએ ૧૪-૧૪ લાખ લઇ અપાવ્યા હતા, આ તમામ આરોપીઓના સીડીઆર જોતા તેઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ નથી, તેમણે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ લીધી નથી, આમ છતાં બોગસ લાઇસન્સ પર હથિયાર ખરીદ્યા બાદ કારતૂસ ફાયર પણ કર્યા છે, આરોપીઓએ સમાજ અને લોકોમાં પોતાનો રૂઆબ અને વટ બતાવવા માટે હથિયાર લાઇસન્સ ખરીદ્યા છે. આ મામલે વધુ સુનાવણી મંગળવારે ગ્રામ્ય કોર્ટમાં યોજાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.