બોગસ દસ્તાવેજોના આધારે વિદેશી હથિયારો વેચવાનું કૌભાંડ
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આયોજનબદ્ધ રીતે બોગસ દસ્તાવેજાના આધારે વિદેશી હથિયારો લાવી તેને વેચાણ કરવાનું ષડયંત્ર ચાલી રહયુ હોવાની વિગતો ગુજરાત એટીએસને મળતા જ રાજયભરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસોથી એટીએસના અધિકારીઓ આ સમગ્ર ષડયંત્ર પર નજર રાખી રહયા હતા અને કેટલાક શકમંદો પર વોચ ગોઠવવામાં આવી હતી.
જેના પગલે ગઈકાલે દિવસભર એટીએસના અધિકારીઓ અમદાવાદ, અમરેલી, મોરબી, ભાવનગર, કચ્છ, વેરાવળ સહિતના શહેરોમાં સઘન તપાસ કરી આ ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને રાજયભરમાંથી કુલ પ૦થી વધુ હથિયારો જપ્ત કર્યાં છે ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલા હથિયારોમાં મોટાભાગના હથિયારો વિદેશી છે જયારે આરોપીઓ પાસેથી હથિયારો ખરીદવાના બોગસ દસ્તાવેજા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છેકે ગુજરાતમાં સતત લોકડાઉન વચ્ચે જનજીવન ઠપ થઈ ગયું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સરકારે અનલોકડાઉન જાહેર કરી કેટલીક છુટછાટો આપી છે જેના પગલે સક્રિય થયેલા ગુનેગારોને ઝડપી લેવા માટે રાજયભરનું પોલીસતંત્ર એલર્ટ બનેલું છે પોલીસ ઉપરાંત લોકલક્રાઈમબ્રાંચ તથા એટીએસના અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહયા છે.
આ દરમિયાનમાં ગુજરાત એટીએસને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી જેમાં કેટલાક શખ્સો ગુજરાતમાં ગેરકાયદેસર દસ્તાવેજા બનાવી વિદેશથી હથિયારો લાવી વેચતા હોવાનું જાણવા મળ્યુ હતું આ સમગ્ર ષડયંત્ર ખૂબ જ ચોંકાવનારું હતું જેના પગલે ગુજરાત એટીએસના અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી છેલ્લા કેટલાક દિવસથી રાજયભરમાં તેની તપાસ શરૂ કરી હતી કેટલાક પરવાનેદારોની પણ પુછપરછ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસના અધિકારીઓ સક્રિય બનતા આ સમગ્ર કૌભાંડમાં ધીમેધીમે વિગતો બહાર આવવા લાગી હતી જેના પગલે આ તમામ હકીકતો એકત્ર કરી આરોપીઓને ઝડપી લેવા માટે એટીએસના અધિકારીઓ સક્રિય બન્યા હતાં અને રાજયવ્યાપી ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જેમાં આ એક રાજયવ્યાપી અને ખૂબ જ મોટુ કૌભાંડ હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે એટીએસની જુદી જુદી ટીમોએ રાજયવ્યાપી દરોડાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલે સવારથી જ એટીએસની ઓફિસમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો.
ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ સૌ પ્રથમ રાજયભરમાં આ ષડયંત્ર રચનાર તમામ આરોપીઓ ઉપર નજર રાખી તેઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી હતી ગુજરાત એટીએસના અધિકારીઓએ કુલ ર૦થી વધુ ટીમો બનાવી હતી અને ગઈકાલ સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી એટીએસના અધિકારીઓની આગેવાનીમાં અમદાવાદ, ભાવનગર, કચ્છ, વાંકાનેર, મોરબી, અમરેલી સહિતના શહેરોમાં સૌ પ્રથમ દરોડા પાડવામાં આવ્યા હતા એટીએસના અધિકારીઓએ આ સમગ્ર ષડયંત્રમાં દરોડા પાડી ૭ થી વધુ શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહયું છે.
એટીએસના અધિકારીઓએ ગઈકાલ સવારથી જ આ ચોંકાવનારા ષડયંત્ર પર શરૂ કરેલી કાર્યવાહીમાં એક પછી એક કડીઓ મળવા લાગી હતી અને તેના આધારે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. આરોપીઓની પુછપરછ શરૂ કરતા બહાર આવેલી વિગતોના આધારે એટીએસના અધિકારીઓએ હથિયારો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પકડાયેલા આરોપીઓએ કબુલ્યુ હતું કે બોગસ દસ્તાવેજાના આધારે હથિયારો વેચવાનું ષડયંત્ર ચલાવતા હતાં છેલ્લા કેટલાક સમયમાં કોને કોને હથિયારો આપ્યા છે
તે અંગેની વિગતો એટીએસે મેળવી હતી અને ત્યારબાદ તાત્કાલિક અસરથી ગેરકાયદેસર રીતે વેચાયેલા હથિયારો કબજે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાકે પકડાયેલા આરોપીઓ પાસેથી કેટલાક હથિયારો મળી આવ્યા હતા. એટીએસના અધિકારીઓએ રાજયવ્યાપી દરોડા દરમિયાન કુલ પ૦ થી વધુ હથિયારો જપ્ત કરી લીધા હતા ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલા હથિયારોમાંથી મોટાભાગના હથિયારો વિદેશી બનાવટના છે. જપ્ત કરાયેલા હથિયારો અંગે પુછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી નકલી દસ્તાવેજા બનાવીને હથિયારોની હેરાફેરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે
આ ઉપરાંત આ શખ્સો બોગસ દસ્તાવેજાના આધારે હથિયારો પણ વેચતા હતા એટીએસના અધિકારીઓએ બોગસ દસ્તાવેજાના આધારે હથિયારો ખરીદનાર શખ્સોની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. રાજયવ્યાપી આ ચોંકાવનારા કૌભાંડમાં એક પછી એક ગંભીર બાબતો બહાર આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ કેટલાક શખ્સોની ધરપકડ થાય તેવી સંપૂર્ણ શકયતા છે હાલમાં એટીએસ અધિકારીઓ ચોંકાવનારા આ ષડયંત્રમાં રાજયવ્યાપી તપાસ કરવાની સાથે સાથે સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી રહયું છે. એટીએસ દ્વારા સંપૂર્ણ વિગતો ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે.