અંકલેશ્વરમાં મોટર સાયકલ અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ હુમલો
હુમલાખોરોએ મારક હથિયારો વડે હુમલો કરતા રિક્ષા ચાલક અને સવારોને ઈજા
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વરમાં મોટર સાયકલ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે બાદ બોલાચાલી થઈ હતી.આ બાદ હુમલાખોરોએ ટેમ્પામાં મારક હથિયારો સાથે ધસી આવી જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જાે કે ગંભીર પ્રકારે માર મારવામાં આવ્યો હોવા છતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ ન કરાયો હોવાના કારણે ઈજાગ્રસ્તોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી વિરેન્દ્ર પરમારે આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતાની પત્ની તથા બાળકોની સાથે રિક્ષામાં પોતાના મોટાભાઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા તે વખતે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વળાંક ઉપર એક મોટર સાયકલ સવાર રોડ ઉપર પડી ગયેલો હોઈ પોતે રીક્ષા ઉભી રાખી મોટર સાયકલ સવારને મદદ કરતો હતો તે વખતે જ બાઈક સવારે આવી રીક્ષાને અડફેટે લીધી હતી.
જે અંગે બોલાચાલી થઈ જે બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ બાદમાં બાઈક અથડાવનાર શકીલ નામનો શખ્સે ગ્રીન સીટી પાસે ફરીયાદી વિરેન્દ્ર પરમારની રીક્ષા રોકી તેના પર અને રીક્ષામાં સવાર લોકો પર મારક હથિયારો સાથે માથાના ભાગે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ઈજા પામેલા લોકોને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.પરંતુ આ ઘટનામાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ ન કરાતા ઈજાગ્રસ્તોમાં આક્રોશ છે.