બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી હુમલો
(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે ભરાયેલી ભીડે મંદિર અને અન્ય દુકાનોને પણ નિશાન બનાવ્યા. આ ઘટના શનિવારની છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ પોલીસે આ ઘટના મામલે આકાશ સાહા અને તેમના પિતા અશોક સાહાની ધરપકડ કરી છે. આકાશ સાહા પર પયગંબર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જણાવ્યું છે કે આકાશ સાહાએ પયગંબર વિરુદ્ધ ગુરુવારે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ શુક્રવારે તેના ઘરની બહાર પ્રદર્શન શરૂ કરી દીધુ. તેમણે આકાશ સાહાના ઘરના એક રૂમમાં આગ લગાવી દીધી.
ભીડે અન્ય દુકાનો અને મંદિરોને પણ નિશાન બનાવ્યા. આ ઘટનાની જાણકારી મળતા જ અનેક પોલીસ યુનિટ અને વરિષ્ઠ અધિકારીઓને નરૈલ જિલ્લામાં લોહાગોરા ઉપજિલ્લામાં આવેલા ગામમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ પોલીસે આકાશ સાહા અને તેમના પિતાને અરેસ્ટ કરી લીધા.
પોલીસે કહ્યું કે આકાશ સાહા અને તેમના પિતાની પૂછપરછ થઈ રહી છે. તપાસ બાદ તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે. પોલીસના સ્થાનિક અધિકારીઓ અને રાજનેતા ઘટના સ્થળે પહોંચ્યા અને તણાવ શાંત કરવાની કોશિશ કરી. અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ વિસ્તારની મુલાકાત લીધી.
દિઘાલિયા યુનિયન પરિષદના ચેરમેન સૈયદ બોરહાન ઉદ્દીને કહ્યું કે અમે સતત પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેથી કરીને કોઈ પણ અપ્રિય ઘટનાને રોકી શકાય. આ અગાઉ ૧૮ જૂનના રોજ નરૈન જિલ્લામાં જ એક કોલેજના હિન્દુ પ્રિન્સિપાલને જૂતાની માળા પહેરવા માટે મજબૂર કરાયા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારી પણ હાજર હતા.
અનેક વિદ્યાર્થીઓનો આરોપ હતો કે પ્રિન્સિપલ એક વિદ્યાર્થીનો પક્ષ લઈ રહ્યા હતા જેણે નુપૂર શર્માનું સમર્થન કર્યું હતું. આ વિદ્યાર્થીએ ફેસબુક પર નુપૂર શર્માનું સમર્થન કર્યું હતું. ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માએ પયગંબર પર આપેલા નિવેદન વિરુદ્ધ દુનિયાના અનેક દેશોમાં પ્રદર્શન થવા લાગ્યા હતા. બાંગ્લાદેશમાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા.
બાંગ્લાદેશમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી લઘુમતી કોમ ઉપર અત્યાચારનાં બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ કટ્ટરપંથીઓને હવે પોલીસનું પણ ભય ન હોય તેમ લાગી રહ્યું છે.