પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈ રહેલા બે ભાઈ પર હુમલો
(એજન્સી)અમદાવાદ, શહેરના સરખેજ પોલીસ સ્ટેશનાં ફિરયાદ કરવા માટે જઈ રહેલા બે માસિયાઈ ભાઈ પર પિતા-પુત્ર સહિત ચાર લોકોએ છરી તેમજ પાઈપ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. પિતા-પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ જ્યારે ફરિયાદ નોંધાવવા માટે બે ભાઈ પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને કર્ણાવતી ક્લબ પાસે રોકીને હુમલો કર્યાે હતો.
હુમલાખોરોએ યુવકને ધમકી આપી હતી કે અગાઉ મેં એક મર્ડર કર્યું છે અને તારું પણ મર્ડર કરી દઈશ. જાહેર રોડ પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. સરખેજ વિસ્તારમાં આવેલા કોટેશ્વર ભારતી આશ્રમની બાજુમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં કૃણાલ ઠાકોરે સરખેજ પોલીસ સ્ટેશનમાં બંસી ઠાકોર તેમજ તેના પુત્ર પ્રતીક ઠાકોર,
ભાવિક ઠાકોર અને હિતેશ ઠાકોર વિરુદ્ધ હુમલા તેમજ ધમકીની ફરિયાદ કરી છે. કૃણાલ પોતાના ઘરે હાજર હતો ત્યારે તેના માસિયાઈ ભાઈ દેવ ઠાકોરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારે પ્રતીક, ભાવિ, હિતેશ અને બંસી ઠાકોર વિરુદ્ધ અગાઉ થયેલા ઝઘડાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવું છે તો તું મારા ઘરે તેમજ કૃણાલ તેના મિત્ર રાધે વાઘેલા સાથે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે બે અલગ અલગ વાહનો પર જઈ રહ્યા હતા
ત્યારે કર્ણાવતી ક્લબ પાસે બંસી ઠાકોર, પ્રતીક, ભાવિક અને હિતેશે તેમને રોક્યા હતા અને કહેવા લાગ્યા હતા કે ક્યાં જઈ રહ્યા છો? બંસી ઠાકોરને સવાલ સાંભળીને કૃણાલે જવાબ આપતાં કહ્યું હતું કે અમે પોલીસ સ્ટેશનાં ફરિયાદ કરવા મટો જઈ રહ્યાં છીએ. કૃણાલનો જવાબ સાંભળીને બંસી ઠાકોર સહિતના લોકો ગાડીમાંથી હથિયાર લઈને ઉતર્યા હતા અને કૃણાલ તેમજ દેવ પર હુમલો કરી દીધો હતો.
બંસી ઠાકોરે પાઈપ દેવ તેમજ કૃણાલના માથામાં મારી દેતાં તે જમીન પર ઢળી પડ્યા હતા, જ્યારે પ્રતીક, ભાવિક અને હિતેશે ગડદાપાટુનો માર માર્યાે હતો. ત્યાર બાદ પ્રતીક છરી લઈને આવ્યો હતો અને કૃણાલની પીઠના ભાગમાં મારી દીધી હતી. પ્રતીકે કૃણાલને ધમકી આપી હતી કે અગાઉ પણ મેં એક મર્ડર કર્યું છે અને તારું પણ મર્ડર કરી નાખીશ.
હુમલાની ઘટના જોઈને લોકો દોડી આવતાં પિતા-પુત્ર સહિત ચાર જણા ગાડી લઈને નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત કૃણાલ અને દેવને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સરખેજ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પિતા બંસી, પુત્ર પ્રતીક અને ભાવિક તેમજ હિતેશ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.