ગાડીને ઓવરટેક કરવાની બાબતે થયેલા ઝઘડામાં પાઈપથી હુમલો
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના આમલઝર ગામે ગાડી ઓવરટેક કરવાની બાબતે થયેલ ઝઘડામાં લાકડીઓ અને લોકંડની પાઈપોથી હુમલો કરાતા ૧૩ ઈસમો સામે નામજાેગ અને અન્ય દસેક જેટલા અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. Attacked with a pipe in an argument over overtaking a vehicle
રાજપારડી પોલીસમાં લખાવાયેલ ફરિયાદ મુજબ આમલઝર ગામે રહેતો કરણભાઈ ગીરીશભાઈ વસાવા નામનો યુવાન ગત તા.૧૬ મીના રોજ સવારના સાડા અગિયારના અરસામાં રાજપારડી જતો હતો.ત્યારે તે વખતે ગામનો ધ્રુવ ઉર્ફે ચિન્ટુ બચુભાઈ વસાવા નામનો યુવક તેની ફોરવ્હિલર ગાડી લઈને આગળ જઈ રહ્યો હતો.
તે દરમ્યાન કરણને ધ્રુવ સાથે ગાડીને ઓવરટેક કરવા જગ્યા આપવા બાબતે બોલાચાલી થઈ હતી.આ બોલાચાલીની જાણ ધ્રુવના પિતા બચુભાઈ ઇશ્વરભાઈ વસાવાને કરવામાં આવી હતી.ત્યાર બાદ રાતના સવા નવેક વાગ્યાના અરસામાં કરણ તેમજ અંકિત અરવિંદભાઈ વસાવા નામનો યુવક, આ બન્ને અંકિતની મોટરસાયકલ લઈને ઘરેથી નોકરી ઉપર જવા નીકળ્યા હતા.
તે વખતે આમલઝર ગામના ખાડીના નાળા નજીક અંકિતભાઈ બચુભાઈ વસાવા અને અન્ય એક ઈસમ ઉભા હતા.તેઓએ મોટર સાયકલ રોકાવીને ગાડીની ઓવરટેક બાબતે થયેલ બોલાચાલીની વાત તેના પિતા બચુભાઈને કેમ કરી હતી.તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ ફોન કરીને તેના મોટાભાઈ ધ્રુવને આ સ્થળે આવવા જણાવ્યું હતું.
તેથી થોડીવારમાં ધ્રુવ તેની સાથે શ્રેયાંશભાઈ શુકલભાઈ વસાવા, જતીન અભેસિંગ વસાવા નામના ઈસમો સાથે ત્યાં આવ્યો હતો.આ લોકો કરણ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.આ લોકો લાકડીઓ અને લોખંડની પાઈપો લઈને આવ્યા હતા.તેઓએ કરણને લાકડીઓ અને લોખંડની પાઈપ માથામાં, પીઠના ભાગે તેમજ હાથ પર માર મારતા કરણને માથા માંથી લોહી નીકળ્યુ હતું.
ત્યારબાદ બચુભાઈ ઈશ્વરભાઈ વસાવા તેમજ અન્ય કેટલાક ઈસમો ભેગા મળીને કરણના ઘરે આવ્યા હતા અને ઘરની સામે આવેલ ગલ્લાની તોડફોડ કરી હતી.ઉપરાંત ઘરની આગળ પડેલ બે મોટર સાયકલ અને ઈકો ગાડીને તોડફોડ કરીને નુકશાન કર્યું હતું.આ લોકોએ ઘરમાં પ્રવેશ કરીને કરણના માતાપિતા તેમજ ભાઈને લાકડીઓથી માર માર્યો હતો.
આ લોકોએ જતાજતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.
કરણ ગીરીશ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.આ ઘટના બાબતે કરણભાઈ ગીરીશભાઈ વસાવા રહે.ગામ આમલઝર તા.ઝઘડિયાનાએ ધ્રુવ ઉર્ફે ચિન્ટુ બચુભાઈ વસાવા,અંકિત બચુભાઈ વસાવા,બચુભાઈ ઈશ્વરભાઈ વસાવા, શ્રેયાંશ શુકલભાઈ વસાવા, દિલિપ અમરસિંગ વસાવા, મેહુલ બાબુભાઈ વસાવા,
વિશાલ સુરેશભાઈ વસાવા,બળવંત અમરસંગ વસાવા,ઘનશ્યામ મંગાભાઈના જમાઈ, અર્પિત સતિષભાઈ વસાવા, તેમજ અન્ય દસ જેટલા અજાણ્યા ઈસમો તમામ રહે.ગામ આમલઝર તા.ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ઉપરોક્ત ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.