કાશ્મીરથી ગુજરાત સુધી હુમલા ચાલુ એરપોર્ટ-એરબેઝને ટાર્ગેટ બનાવાયા

નવી દિલ્હી, ભારતીય સૈન્યએ એક જ દિવસમાં પાકિસ્તાનના સંખ્યાબંધ શહેરોમાં હાહાકાર મચાવ્યા પછી પણ પાકિસ્તાન સખણું રહેતું નથી. શુક્રવારે કાશ્મીરથી માંડીને ગુજરાત સુધી દેશના ૨૬ સ્થળે પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. શ્રીનગર એરપોર્ટ પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારતની એર ડિફેન્સ સીસ્ટમે મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા છે.
તકેદારીના ભાગરૂપે ગુજરાતના ભૂજ ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં અંધારપટનો અમલ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભૂજ, કુંવરબેટ અને લખીનાળા ખાતે પાકિસ્તાને ડ્રોન હુમલાકર્યા હતા. પાકિસ્તાને શ્રીનગર એરપોર્ટ પર ડ્રોન અને મિસાઈલથી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યાે હતો. દક્ષિણ કાશ્મીરના અવંતીપુરા ખાતે મોટા ધડાકાના અવાજ સંભળાયા હતા.
જમ્મુ શહેર અને ઉધમપુરમાં મોટા ધડાકા સંભળાયા હતા. પાકિસ્તાનના હુમલાથી જમ્મુ ઉપરાંત શ્રીનગરમાં ગભરાટ ફેલાયો હતો. શ્રીનગરની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર અંધારપટના ચુસ્ત અમલ માટે અને મોબાઈલ ટોર્ચનો સુદ્ધાં ઉપયોગ નહીં કરવા માટે સૂચનાઓ અપાતી હતી.પંજાબના પઠાણકોટ, ફિરોઝપુર, અમૃતસર અને હોશિયારપુર જિલ્લામાં મોટા ધડાકાના અવાજો સંભળાયા હતા.
જેથી હવાઈ હુમલાની સાઈરનો રણકી હતી અને ત્યારબાદ અંધારપટ લાગુ કરી દેવાયું છે. પાકિસ્તાને પોખરણમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. સરહદ પર નાપાક હરકતો ચાલુ રહેતા રાજસ્થાનના સરહદી વિસ્તારો અને ગુજરાતના ભૂજ-કચ્છમાં અંધારપટ છે.
ઈઝરાયેલ પર હુમલા દરમિયાન આતંકી સંગઠન હમાસ દ્વારા જે પ્રકારના હુમલા થતા હતા તેની નકલ પાકિસ્તાની સૈન્યે કરી છે. આ પ્રકારના હુમલામાં ડ્રોનની સાથે સંખ્યાબંધ દેશી બનાવટની મિસાઈલો અને દારૂગોળો ભરી દેવામાં આવે છે. ચારેય બાજુ મિસાઈલ પ્રહાર કરી એર ડિફેન્સ સિસ્ટમને થાપ આપવાનો પ્રયાસ થાય છે.
ભારત દ્વારા પાકિસ્તાની ડ્રોનના કાટમાળનો અભ્યાસ શરૂ કરાયા છે, જેમાં આ ડ્રોન તુર્કીએના એસિસગાર્ડ સોનગર હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાને અંકુશ રેખા નજીકના તમામ વિસ્તારોમાં ડ્રોન હુમલા સઘન બનાવ્યા છે અને તેના કારણે ભારતમાં પણ કેટલાક મોત થયા છે.
પાકિસ્તાને ભારત પર હુમલા કરતી વખતે સિવિલ એરસ્પેસ ચાલુ રાખી હતી અને સિવિલિયન ફ્લાઈટ્સને જોખમમાં મૂકી હતી. કુરેશીએ પાકિસ્તાનની નાલાયકીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરતી વખતે સિવિલિયનનો ઢાલ તરીકે ઉપયોગ કર્યાે હતો અને સિવિલ પ્લેનની આડમાં તૂર્કીએના ડ્રોન પાકિસ્તાન પહોંચાડી દેવાયા હતા.
ભારતે સિવિલ એર ટ્રાફિક સદંતર બંધ કરી દીધો છે પરંતુ પાકિસ્તાને બદઈરાદાથી કરાચી અને લાહોરના રૂટ ચાલુ રાખ્યા છે.પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલ સૈન્યની ત્રણેય પાંખના વડા અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શનિવારે પણ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરશે.SS1MS