વસ્ત્રાપુરની લાડ સોસાયટી નજીક બેન્કનું ATM તોડવાનો પ્રયાસ
અમદાવાદ, શહેરના વસ્ત્રાપુરની લાડ સોસાયટી નજીક કેનરા બેન્કના એટીએમ સેન્ટરમાં ગઠિયા દ્વારા પ્રવેશ કરી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગઠિયાને સીસીટીવીના આધારે શોધી કાઢવા માટે વસ્ત્રાપુર પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાં રહેતા અમિતકુમારસિંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અમિતકુમાર લાડ સોસાયટી પાસે કેનરા બેન્કની બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમજ અહીં એટીએમ પણ આવેલું છે.
થોડા દિવસ પહેલાં એટીએમમાં એક ગઠિયાએ સીસીટીવી કેમેરા પર સ્પે મારીને પ્રવેશ કર્યાે હતો. ત્યારબાદ એટીએમનાં પતરાં વાળીને ખોલવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તે ખૂલ્યું ન હતું, જેથી ગઠિયાએ મશીન તોડી કેશની ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ ગઠિયાથી એટીએમ ન તૂટતાં મોટી ચોરીની ઘટના બનતાં અટકી હતી.
જાેકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.
હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જાેકે નવાઈની વાત તો એ છે કે આ અગાઉ પણ એટીએમમાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે, છતાં પણ બેન્કમાં સંચાલકો કોઈ શીખ લઇ રહ્યા નથી. કેટલાક દિવસ અગાઉ વસ્ત્રાપુર એસબીઆઈના એટીએમમાંથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.