૩૦ લાખની ઉઘરાણી માટે રાજસ્થાનના વેપારીની હત્યાનો પ્રયાસ
વડોદરા, વડોદરાની બિલ્ડર લોબીમાં ચર્ચાસ્પદ રહેલા યુસુફ ઉર્ફે કડીયા દ્વારા રાજસ્થાનના વેપારીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો મામલો બહાર આવ્યો છે. ત્રીસ લાખ રૂપિયાની ઉઘરાણી માટે વડોદરા આવેલા વેપારીને અરશદ બાપુ અને યુસુફ કડીયા દ્વારા ચાકુની અણીએ મારી નાખવાની પણ ધમકી આપી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર
રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાણા ખાતે અબ્લુલ સરાઈ પાસે રહેતા મોહમદનદીમ સગીરઅહેમદ ગેસાવતે (ઉ.ર૮) વડોદરાના જે.પી. રોડ પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર મોહમદનદીમના માસીના દીકરા ઈમરાન અયુબભાઈ ગેસાવત પાસેથી તેના કાકા યુસુફ ઉર્ફે કડીયો સીદીક શેખે રૂપિયા ૩૦ લાખ લીધી હતા જેની અવાર નવાર માગણી કરવામાં આવતી હોવા છતાં નાણાં પરત આપ્યા ન હતા.
યુસુફ ઉર્ફે કડીયો મોહમદનદીમ ગેસાવતના મામા થતા હોવાથી તે ગત તારીખ ૧લીના રોજ યુસુફ કડીયાને શોધવા માટે તેના માસીનો દિકરી ઈમરાન, તેનો ભાઈ સરફરાજ, તેની માસી બતુલબેન સાથે વડોદરા આવ્યો હતો. યુસુફ કડીયો તેના દીકરા સદામના નિવાસસ્થાને વાસણ રોડ ખાતે અર્થ ર૪ ફલેટમાં રહેતો હોવાની જાણ થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા.
યુસુફ શેખ અને તેના દીકરા સદામને આ અંગેની જાણ થતાં તેઓ ફલેટની બહાર જ ન આવ્યા હતા. યુસુફ તેના ઘરની બહાર ન નીકળે ત્યાં સુધી મહોમદનદીમ, ઈમરાન તથા સરફરાજ ઘરની બહાર બેસી ગયા હતા. તા.૪થી વહેલી સવારે ચાર વાગે ઈમરાન જતા રહ્યા હતા બાદમાં સવારે સાડા પાંચ વાગે ચાર વ્યક્તિઓ તેના ફલેટ પર આવી પહોચ્યા હતા. જે પૈકીના એકે છરી કાઢીને મોહમદનદીમની ફેટ પકડીને હત્યા કરવા માટેનો પ્રયાસ કર્યો હતો
કુછ ભી બોલના મત વરના કાટ દુગા તેમ જણાવ્યું હતું તેની સાથે ફલેટમાંથી યુસુફ કડીયો, સદામ શેખ તથા અંબર જમીન ઉર્ફે પ્રાચી ત્રણ ઘરમાંથી નીકળીને ભાગી ગયા હતા ભાગતા ભાગતા યુસુફ કહેતો ગયો હતો કે અશરદ બાપુ, અગર જયાદા હોશીયારી કરે તો ઈસ્કો કાટ દેના મેં બેઠા હું સબ સંભાલ લુંગા.