કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સામે ગળું કાપીને આપઘાતની કોશિશ
બેંગલુરુ, કર્ણાટક હાઈકોર્ટમાં હોલ નંબર એકમાં ચીફ જસ્ટિસ નિલય વિપિનચંદ્ર અંજારિયાની સામે જ એક વ્યક્તિએ ચાકુથી પોતાનુ ગળું કાપીને કથિત રીતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, મૈસુરના રહેવાસી શ્રીનિવાસે કોર્ટના હોલ નંબર એકના પ્રવેશદ્વાર પર સુરક્ષા કર્મચારીઓને એક ફાઇલ સોંપી અને પછી શું થઈ રહ્યું છે તેની ખબર પડે તે પહેલાં જ તેણે ચીફ જસ્ટિસ અંજારિયાની સામે જ પોતાનું ગળું કાપી નાખ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સુરક્ષા કર્મચારીઓએ આપઘાતની કોશિશ કરનાર વ્યક્તિને તાત્કાલિક બચાવ્યો અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જયાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે વધુમાં કહ્યું કે, આ વ્યક્તિએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું હશે, તેનો ખ્યાલ તપાસ પછી આવશે. કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અંજારિયાએ હાઇકોર્ટ પરિસરમાં સુરક્ષા ચૂકને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
સાથે જ તેમણે સુરક્ષા વ્યવસ્થા સંભાળતા લોકોને પૂછ્યું કે આ વ્યક્તિ એક તીક્ષ્ણ હથિયાર લઈને કેવી રીતે અંદર આવી ગયો? ચીફ જસ્ટિસે પોલીસને ઘટનાસ્થળથી મળેલા પુરાવા રેકોર્ડ કરવાનો આદેશ કર્યો છે. શ્રીનિવાસે સુરક્ષા કર્મચારીઓને જે ફાઇલ આપી હતી, તેમાં શું હતું તેની ખબર નથી. પોલીસ હજુ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિએ આપઘાત કરવાનો પ્રયાસ કેમ કર્યો.SS1MS