Australia : એક એવું ગામ જ્યાં ડોકટરને મળે છે 40 કરોડ પગારની ઓફર
ભારતમાં બેરોજગારી અને વસ્તીની મુખ્ય સમસ્યા છે. જેના કારણે નોકરી માટે અનેક લોકો વિશ્વના કોઇપણ દેશમાં જવા તૈયાર છે. આથી જ મોટાભાગના દેશોમાં કોઇને કોઇ સ્થળે ભારતીયોની ઉપસ્થિતિ જોવા મળે છે.
પરંતુ કેટલાક સ્થળો એવા પણ છે જયાં સારો પગાર સહિતની સુવિધા છતાંયે કોઇ નોકરી કરવા તૈયાર નથી. ઓસ્ટ્રેલિયાના એક ગામ કવાઇરેડિંગમાં એક ડોકટરની નોકરી ખાલી છે. આ નાના ગામમાં જનરલ પ્રેકટીસ કરનાર ડોકટરની જરુરિયાત છે.
પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોકટરને ૪૦.૬૦ કરોડ પગારની સારામાં સારી ઓફર આપવામાં આવી રહી છે. સાથોસાથ રહેવા માટે ૪ બેડરુમનું આલિશાન મકાન પણ છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી આ ગામ ૧૭૦ કિ.મી. દૂર આવેલું છે.
આ ગામમાં વર્ષોથી જનરલ પ્રેકટીશનર ડોકટરની ઘટ છે. ગામમાં ૬૦૦થી વધુ લોકો રહે છે. પરંતુ તેમની બિમારીઓના ઇલાજ માટે ન તો કોઇ ડોકટર છે કે ન તો કોઇ મેડીકલ સ્ટોર. અગાઉ અહીં મેડીકલ સાથે સંબંધિત ચીજવસ્તુઓ હતી પણ તે ડોકટર ન હોવાના કારણે બંધ કરવી પડી છે.
ઓસ્ટ્રેલિયન સરકારે ગ્રામીણોની જરુરત જોઇને કહયું હતું કે, આ ગામમાં બે વર્ષ રહેનાર ડોકટરને વર્ષ ૭ લાખ અને પ વર્ષ સુધી રહેનારને ૧૩ લાખ ડોલરથી વધુ પગાર આપવામાં આવશે. છતાંયે ગામમાં ડોકટર તરીકે નોકરી કરવા કોઇ તૈયાર થતું નથી.
જો કે ઓસ્ટ્રેલિયામાં ગ્રામીણ વિસ્તારોમાં ડોકટર તરીકે ફરજ બજાવવા કોઇ તૈયાર થતું ન હોવાની વાત ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયન મેડીકલ એસોસીએશન અનુસાર વર્ષ ર૦૩૧ સુધીમાં આ સ્થિતિ રહેશે તો ઓસ્ટ્રેલિયામાં લગભગ ૧૧ હજાર ઉપરાંત ડોકટરોની ઘટ ઉભી થશે.