વ્યાપારિક સંબંધોને આગળ વધારવા ઓસ્ટ્રેલિયાનું ડેલિગેશન દર વર્ષે ગુજરાત આવશે
![Australia delegation in Gujarat](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/CM-australia-1024x624.jpg)
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મિનીસ્ટર ફોર એન્ટરપ્રાઇઝ-ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ તથા મિનીસ્ટર ઓફ ટુરિઝમ એન્ડ સ્પોર્ટસ તેમજ મિનીસ્ટર ઓફ વેસ્ટર્ન સિડની (Mr. Stuart Ayres) શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ન્યૂ સાઉથ વેલ્સ ના મિનીસ્ટર ફોર એન્ટરપ્રાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ તથા મિનીસ્ટર ઓફ ટુરિઝમ એન્ડ સ્પોર્ટસ તેમજ મિનીસ્ટર ઓફ વેસ્ટર્ન સિડની શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ (Mr. Stuart Ayres) અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.
ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે ર૦૧૮ માં જે સિસ્ટર સ્ટેટ તરીકે એગ્રીમેન્ટ થયેલા છે તેના પરિણામે બેય પ્રદેશો વચ્ચે સહકારિતાનો સેતુ વધુ સુદ્રઢ અને વિસ્તૃત બન્યો છે તેનો આનંદ તેમણે આ મુલાકાત દરમ્યાન વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એમ પણ જણાવ્યું કે, શિક્ષણ, પ્રવાસન, બિનપરંપરાગત ઊર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની જે અગ્રેસરતા છે તેમાં ન્યૂ સાઉથ વેલ્સની સહભાગીતા નવા પરિમાણો ઉમેરી શકે તેમ છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરેક ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની નેમ સાથે વૈશ્વિક પ્રવાહોને સાથે રાખીને વિકાસની નવી દિશા આપી છે. મેઇક ઇન ઇન્ડીયા, મેઇક ફોર ધ વર્લ્ડ નો એમણે જે વિચાર આપ્યો છે તે સૌની ભાગીદારીથી આગળ વધવાનો અભિગમ છે.
ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ આ વિચારને આગળ ધપાવતાં સિસ્ટર સ્ટેટ તરીકે જે ક્ષેત્રોમાં હજુ વધુ સુદ્રઢ સેતુ સ્થાપવો હોય તેમાં આગળ વધી શકે તેમ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ (Mr. Stuart Ayres) એ આ અંગેનો પ્રતિસાદ આપતાં ઉમેર્યુ કે, તેમના રાષ્ટ્રનું એક બિઝનેસ ડેલિગેશન દર વર્ષે ભારત અને ગુજરાતની મુલાકાતે આવશે અને પરસ્પર વ્યાપારિક વાણિજ્યીક સંબંધોને વધુ આગળ ધપાવશે. તેમણે મુખ્યમંત્રીશ્રીને સિડનીની મુલાકાતે આવવાનું ભાવભર્યુ આમંત્રણ પણ આ તકે પાઠવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અગાઉની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ડેલિગેશને ભાગ લીધો હતો અને હવે કોવિડ-19 પછીની સ્થિતીમાં યોજાનારી આગામી સમિટમાં પણ તેઓ સહભાગી થવા ઉત્સુક છે. ગુજરાતમાં મૂડીરોકાણ અને વેપારની જે અનેક તકો રહેલી છે તેનાથી તેઓ પ્રભાવિત થયા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ડેલિગેશનને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનું ભાવભર્યુ આમંત્રણ પણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે આ ડેલિગેશનને ભેટ આપી હતી.
આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા વગેરે જોડાયા હતા.