વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર
નવી દિલ્હી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ જ ઑસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ ૭ જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ભારત સતત બીજી વખત ફાઈનલ મેચ રમશે. ૨૦૧૯-૨૧ની ફાઈનલમાં તેને ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું.
ICCના નિયમો અનુસાર, સ્ટેન્ડિંગમાં ટોચની બે ટીમો ફાઇનલમાં જાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ અને ભારતીય ટીમ બીજા ક્રમે રહી હતી. ઓસ્ટ્રેલિયાની ૧૭ સભ્યોની ટીમમાં ડેવિડ વોર્નરને પણ સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ખરાબ ફોર્મમાં હોવા છતાં વોર્નરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મેથ્યુ રેનશોએ ન્યૂઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયા-એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
જાેશ ઈંગ્લિસ અને એલેક્સ કેરી વિકેટકીપર તરીકે સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ભારત પ્રવાસમાં સારો દેખાવ કરનાર ટોડ મર્ફીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર માઈકલ નેસર ઉપરાંત સ્પિન બોલરો મેથ્યુ કુહનમેન, મિશેલ સ્વીપ્સન અને બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બ, કેમરૂન બેનક્રોફ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ફાસ્ટ બોલર લાન્સ મોરિસ અને જ્યે રિચર્ડસનની ઈજાના કારણે પસંદગી થઇ શકી નહોતી. ભારતમાં તાજેતરની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને પગલે મોરિસને પીઠમાં ઈજા થઈ હતી, જ્યારે રિચર્ડસન હેમસ્ટ્રિંગ સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. મિચેલ માર્શે છેલ્લે ૨૦૧૯ એશિઝ દરમિયાન ટેસ્ટ ક્રિકેટ રમી હતી પરંતુ પરત ફર્યા બાદથી તે શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮ મહિનાના વર્ચસ્વ બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અહીં તેનો સામનો ભારત સાથે થશે.
આ મેચ માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત ૨૮ મેના રોજ કરવામાં આવશે. પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ હેરિસ, જાેશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જાેશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ , મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.SS1MS