AMA ખાતે શાકાહારી “જાપાનીઝ રાંધણકળા કાર્યશાળા” યોજાઈ
પરસ્પર સહકાર માટે હ્યોગો-ગુજરાત એમઓયુ પર હસ્તાક્ષર નવેમ્બર, ૨૦૧૬માં જાપાન અને ભારતના માનનીય વડા પ્રધાનો, શ્રી શિન્ઝો આબે અને શ્રી નરેન્દ્ર મોદીની વિશિષ્ટ હાજરીમાં થયા હતા. હ્યોગો-ગુજરાત રાજ્ય ભાગીદારીની છઠ્ઠી વર્ષગાંઠની યાદમાં અને હ્યોગો-ગુજરાત ફ્રેન્ડશિપ મિશનનાં ભાગરૂપે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનાં જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાત દ્રારા “જાપાનીઝ રાંધણકળા કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું મુખ્ય સંચાલન જાણીતા રાંધણકળા
નિષ્ણાત શ્રીમતી પૂર્વી સંદીપ શાહ, ઈન્ડિયા ક્લબ, કોબે દ્રારા કરવામાં આવ્યું હતું કે જેઓ કોબે, જાપાનમાં ૩૦વર્ષથી વધુ સમયથી રહે છે. જાપાનીઝ એસોસિએશન અમદાવાદના સભ્યો શ્રીમતી આરી મિયાકે, શ્રીમતી કાયોકો સાસાગાવા, શ્રીમતી નાહો કોમિયા અને શ્રીમતી આયાના હિગાશીસોગાવાએ કાર્યશાળામાં સક્રિયપણે યોગદાન આપ્યું હતું.
ટોફુ, ઉડોન નૂડલ્સ, જાપાનીઝ ચોખા, ગુલાબી અને લાલ આદુ, પીળો મૂળો, ફણગાવેલ કઠોળ, માયોનીઝ, સોયા સોસ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મશરૂમ્સમાંથી બનાવેલ “ઓનિગિરી”, “યાકીઉડોન”, “ઓકોનોમીયાકી” જેવી અધિકૃત શાકાહારી જાપાનીઝ વાનગીઓ અને જાપાનીઝ ગ્રીન ટીમાંથી બનાવેલ “માચા કેક” મુખ્ય આકર્ષણો હતા.
લગભગ ૩૦ સહભાગીઓએ જીવંત રાંધણકળા કાર્યશાળાનો આનંદ માણ્યો અને જાપાનીઝ રાંધણકળા વિશે તાલીમ મેળવી અને આ તમામ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.