નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘હું વોટ કરીશ’ અભિગમ સાથે ‘અવસર રથ’નું પ્રસ્થાન
અમદાવાદ જિલ્લામાં ‘અવસર લોકશાહીનો’ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર
‘અવસર રથ’ સાથે સેલ્ફી બુથ અને હસ્તાક્ષર કરીને શપથ લેવડાવવા જેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ જાહેર થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત અમદાવાદ ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ધવલ પટેલ દ્વારા ‘અવસર રથ’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. ‘હું વોટ કરીશ’ના અભિગમ સાથે આ અવસર રથ અમદાવાદ શહેર અને જિલ્લાના ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં ફરીને નાગરિકોને મતદાન માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે.
‘અવસર રથ’ સાથે સેલ્ફી બુથ અને હસ્તાક્ષર કરીને શપથ લેવડાવવા જેવા રચનાત્મક કાર્યક્રમોનો શુભારંભ પણ કલેકટરશ્રીએ રથ પર હસ્તાક્ષર કરીને કરાવ્યો હતો.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓછું મતદાન થતું હોય તેવા મત વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તા. ૩ નવેમ્બરથી ૨૩ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.
આ ‘અવસર રથ’ ૨૩મી નવેમ્બર સુધી અમદાવાદ જિલ્લાના ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં ફરવાના છે. આ ‘અવસર રથ’ અમદાવાદ શહેર અને જિલ્લાના ખાસ કરીને જે મતદાન મથકો પર ગત વિધાનસભા ચૂંટણીમાં ઓછું મતદાન થતું હોય છે, તેવા વિસ્તારોમાં નિયત રૂટ ઉપર ફરીને મતદાન જાગૃતિનું કાર્ય કરશે.
આ પ્રસંગે અધિક અને નાયબ ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘અવસર લોકશાહીનો’ના ‘મિશન-૨૦૨૨’ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઓછુ મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્મક ઉપાયો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
‘અવસર લોકશાહીનો’ અંતર્ગત શહેરી વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને, વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મતદારોને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે તમામ મતદાન મથકે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત અન્ય સુવિધાઓ જેવી કે, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, શેડ, વૃદ્ધો-અશક્તો-દિવ્યાંગો માટે મદદનીશ સહિતની વિશેષ સુવિધાઓ મતદાન મથકે ઉપલબ્ધ કરાવાશે.
વર્તમાનની લોકપ્રિયતાને ધ્યાને રાખીને કેટલાક સ્થળોએ ‘સેલ્ફી બુથ’ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઑનલાઇન ‘પ્લેજ કેમ્પેઈન’ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.