અવની લેખારાએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો
પેરિસ, અવની લેખારાએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. તેણે પેરાલિમ્પિક રેકોર્ડ સાથે મહિલાઓની 10 મીટર એર રાઈફલ શૂટિંગની SH1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 249.7નો સ્કોર કર્યો. અગાઉનો 249.6 નો પેરાલિમ્પિક રેકોર્ડ પણ અવનીના નામે હતો, જે તેણે ટોકિયોમાં બનાવ્યો હતો.
કોરિયાની યુનરી લીને સિલ્વર મળ્યો, તેનો સ્કોર 246.8 હતો. ભારતની મોના અગ્રવાલે 228.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં અવની બીજા અને મોના પાંચમા ક્રમે રહી હતી.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં અવની લેખા બીજા અને મોના અગ્રવાલ પાંચમા ક્રમે રહી હતી. ફાઈનલમાં શૂટિંગના 2 રાઉન્ડ બાકી હતા, ત્યારે મોના 208.1ના સ્કોર સાથે ટોચ પર હતી. અવની બીજા ક્રમે અને કોરિયન શૂટર ત્રીજા ક્રમે રહી હતી.
છેલ્લાથી બીજા રાઉન્ડમાં કોરિયન શૂટરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને અવની બીજા સ્થાને પહોંચી હતી. જ્યારે મોના ત્રીજા સ્થાને રહીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. છેલ્લા રાઉન્ડમાં અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને 249.7ના સ્કોર સાથે ગોલ્ડ જીત્યો. જ્યારે કોરિયન શૂટર 246.8 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી.
બંને ભારતીય એથ્લેટ મહિલા ડિસ્કસ થ્રોની F55 કેટેગરીની ફાઈનલમાં મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી. સાક્ષી કસાના છઠ્ઠા અને જ્યોતિ કરમ સાતમા ક્રમે છે. સાક્ષીનો બેસ્ટ સ્કોર 21.49 અને જ્યોતિનો 20.22 હતો. ચીનની ફિક્સિયા ડોંગે 26.39ના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેક્સિકોની મારિયા રોઝાએ સિલ્વર મેડલ અને લાતવિયાની ડાયના ક્રુમિનાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.