ગરમીમાં પ્રસંગોમાં ખાવાનું ટાળજોઃ કાર્યક્રમોમાં ફૂડ પોઈઝનિંગના વધી રહેલા કેસો
જસદણમાં ૩૦૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર
(એજન્સી)રાજકોટ, ઉનાળામાં ફૂડ પોઈઝનિંગ સામાન્ય છે. ફૂડ પોઈઝનિંગ કોઈને પણ થઈ શકે છે. ઉનાળાની શરૂઆતની સાથે જ ફૂડ પોઈઝનિંગના કેસમાં વધારો જોવા મળતો હોય છે.
ત્યારે જ આવી એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં રાજકોટના જસદણમાં ગોખલાણા ગામમાં ૩૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. માતાજીના માંડવાના કાર્યક્રમમાં પ્રસાદ લીધા બાદ અસર જોવા મળી હતી. જણાવી દઈએ કે હાલ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની વિગતો જોઈએ તો, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણા ગામે સોમવારે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં આસપાસના ગામોમાંથી એક હજારથી વધુ લોકો આવ્યા હતા. માંડવામાં ચાપડી અને શાકની પ્રસાદ લીધા બાદ એક સાથે ૩૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.