અયોધ્યાનો સરયુ ઘાટ લાખો દીવડાઓથી ઝળહળી ઉઠયો

વડાપ્રધાન મોદી ગઈકાલે પહેલીવાર અયોધ્યાના ભવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અયોધ્યાવાસીઓને સંબોધનમાં મોદીએ પોતાની સરકાર પહેલા ધર્મસ્થળોની બદહાલીનો ઉલ્લેખ કરીને પુર્વવર્તી સરકારો (વિપક્ષ) પર પ્રહારો કર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે જયારે ભગવાન રામના બારામાં આપણી સભ્યતાના બારામાં વાત કરવાનું ટાળવામાં આવતું હતું. આ જ દેશમાં ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. તેનું પરિણામ એ આવ્યું કે આપણી ધાર્મિક સાંસ્કૃતિક ઓળખ પાછળ છૂટતી ગઈ. આપણા દેશનો ધાર્મિક વિકાસ પાછળ રહી ગયો. અયોધ્યા આવતા હતા તો મન દુ:ખી થઈ જતું હતું.
વારાણસીની ગલીઓ પરેશાન કરતી હતી. જેને આપણે આપણા અસ્તિત્વના પ્રતીક માનતા હતા, તે જ ખરાબ હાલતમાં હતા, પણ હવે આપણે હિન ભાવનાની બેડીઓ તોડી છે. છેલ્લા આઠ વર્ષમાં ધાર્મિક સ્થળોમાં વિકાસકામને આગળ રાખ્યા છે. અમે રામમંદિર, કેદારનાથ, મહાકાલ સુધી ઘનઘોર ઉપેક્ષાના શિકાર અમારી આસ્થાના ગૌરવને પુનર્જીવિત કર્યા છે.
અયોધ્યાના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની નવી યોજનાઓ શરૂ કરવામાં આવી. માર્ગો બની રહ્યા છે, ચાર રસ્તાઓ વિકસીત થઈ રહ્યા છે, ઘાટો સજી રહ્યા છે. અયોધ્યાનો વિકાસ નવા પરિમાણ સ્પર્શી રહ્યો છે. રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કનેકટીવીટી માટે એરપોર્ટ પણ બની રહ્યા છે.
મોદીએ રામલલાના દર્શન કર્યા, મંદિરનું નિર્માણ નિહાળ્યું-ઓગષ્ટ 2020માં ભવ્ય રામમંદિરના શિલાપૂજન બાદ પહેલીવાર મોદી અયોધ્યા આવ્યા હતા. જયાં તેમણે સૌથી પહેલા રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરમાં દીપ પ્રગટાવ્યા હતા. ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. રામમંદિરના નિર્માણની વિગત પણ મેળવી હતી. ત્યારબાદ તેઓ સીધા રામકથા પાર્ક પહોંચ્યા હતા. જ્યાં રામ, લક્ષ્મણ, જાનકીની પુજા-અર્ચના કરી હતી. ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો.