અયોધ્યા મંદિર ટ્રસ્ટને 25 કરોડ રૂપિયાનું મળ્યુ દાન: 25 કિલો સોના-ચાંદીના આભૂષણો
૨૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન કરી ચુક્યા છે.-ટ્રસ્ટના બેંક ખાતામાં સીધા કરવામાં આવેલા ઓનલાઈન વ્યવહારો વિશેની માહિતી નથી.
(એજન્સી)અયોધ્યા, અયોધ્યા રામ લલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો. અયોધ્યા રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિના અભિષેકની વિધિ સફળ થયા બાદ એક મહિનામાં તો દાનની રકમ કરોડોએ પહોંચી છે. આ અંગે રામમંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ માહિતી આપી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ રોકડના વિશાળ પ્રવાહનું સંચાલન કરવા માટે ચાર ઓટોમેટિક હાઈ-ટેક કાઉન્ટિંગ મશીનો સ્થાપિત કર્યા છે. તેઓએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે તેમાં ૨૫ કિલો સોના અને ચાંદીના દાગીના, ચેક, ડ્રાફ્ટ અને રોકડનો સમાવેશ થાય છે. જો કે, અમારી પાસે ટ્રસ્ટના બેંક ખાતામાં સીધા કરવામાં આવેલા ઓનલાઈન વ્યવહારો વિશેની માહિતી નથી.
રામ ભક્તોની ભક્તિ એટલી બધી છે કે તેઓ રામ લલા માટે ચાંદી અને સોનાની બનેલી વસ્તુઓનું દાન કરી રહ્યા છે જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થઈ શકતો નથી, તેમ છતાં ભક્તોની ભક્તિ જોઈને રામ મંદિર ટ્રસ્ટ સોના-ચાંદીની વસ્તુઓનું દાન સ્વીકારી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે ૨૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન કરી ચુક્યા છે.
રામ મંદિર ટ્રસ્ટને રામ નવમીની ઉજવણીની આસપાસ દાનમાં વધારો થવાની અપેક્ષા છે. તે સમયે અયોધ્યામાં લગભગ ૫૦ લાખ ભક્તો હાજર રહેવાની આશા છે. તેમણે કહ્યું કે ટ્રસ્ટ દ્વારા રસીદો આપવા માટે એક ડઝન કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વધારાની દાન પેટીઓ રાખવામાં આવી રહી છે. રામ મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક વિશાળ અને સુસજ્જ કાઉન્ટિંગ રૂમ બનાવવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓએ રામ લલ્લાને ભેટ તરીકે મળેલું સોનું, ચાંદી અને અન્ય કિંમતી સામગ્રી જાળવણી માટે ભારત સરકારને સોંપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ટ્રસ્ટે ડોનેશન અંગે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ મુજબ, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) યોગદાન, દાન, ચેક, ડ્રાફ્ટ અને ચેક એકત્રિત કરવાની, તેમના સંગ્રહની ખાતરી કરવા અને પછીથી તેને બેંકમાં જમા કરવાની સંપૂર્ણ જવાબદારી લેશે.
મિશ્રાએ વધુમાં માહિતી આપી હતી કે SBIએ કર્મચારીઓની સંખ્યા વધારવા સહિતની તેની ઓપરેશનલ પ્રવૃત્તિઓ શરૂ કરી છે અને રોકડ દાનની સંખ્યા બે શિફ્ટમાં દરરોજ બે વખત કરવામાં આવી રહી છે.