બાવળા તાલુકાના 79 હજારથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’એ બાવળા તાલુકાના તમામ 48 ગામોમાં ફરીને સરકારી યોજનાઓના લાભ પહોંચાડ્યા
બાવળાના ગામે-ગામ વિકસિત ભારત રથનું લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું-વિવિધ ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિતના મહાનુભાવોએ યાત્રામાં સહભાગી થઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું
બાવળા તાલુકાના 80 હજારથી વધુ લોકોએ લીધા વિવિધ યોજનાના લાભ અને વિકસિત ભારતના શપથ
10 હજારથી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો-20,000થી વધુ લોકોએ લીધો પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ
કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, તમામ લાભાર્થી તથા નાગરિકો સુધી યોજનાઓને પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું હતું. જે અંતર્ગત બાવળા તાલુકાના 48 જેટલા ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી હતી, જેનું 17મી જાન્યુઆરીના રોજ સમાપન થયું છે.
બાવળા તાલુકાના દરેક ગામમાં લોકો દ્વારા વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું, અને બહોળી સંખ્યામાં લોકોએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઘેર બેઠાં લાભ લીધો હતો.
આજ દિન સુધી તાલુકાના તમામ 48 ગામડાંઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી ચૂકી છે, જેમાં 80 હજારથી વધુ લોકોએ વિવિધ યોજનાના લાભ તેમજ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે દરેક ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. યાત્રા દરમિયાન તાલુકાના તમામ ગામના કુલ 10 હજારથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
બાવળા તાલુકામાં 250થી પણ વધુ મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વધુમાં,300 જેટલા તેજસ્વી યુવાનોને પણ સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત પાત્રતા ધરાવતા 79 હજારથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાની પ્રક્રિયા કરાઈ હતી, જેમાં 72 હજાર જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું હતું. આ યાત્રા દરમિયાન 20,000થી વધુ લોકોએ પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ મળ્યો હતો.
વધુમાં, યાત્રા દરમિયાન ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત અનેક લાભાર્થીઓએ જાહેર મંચ પરથી પોતાને મળેલા લાભો વિશે સકારાત્મક પ્રતિભાવ આપી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અનેક ગામોમાં ડ્રોન નિદર્શન પણ યોજાયું હતું. સાથે સાથે તમામ ગામોમાં ‘ધરતી કહે પુકાર કે’ વિષય પર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી અને જાગૃતિ વધારવા માટે તજજ્ઞોના વક્તવ્યો પણ યોજવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી બાવળા તાલુકામાં ઠેર ઠેર વિવિધ યોજનાના લાભોની વણઝાર વરસી હતી. આ યાત્રા થકી તાલુકાના ગામડાઓમાં સર્વાંગી વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેવાડાના લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડવા સમગ્ર વહીવટીતંત્ર પ્રતિબદ્ધ રહ્યું હતું. જનકલ્યાણકારી યોજનાના લાભથી કોઈ વંચિત ન રહે એવા પ્રયાસો કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઇવ સંવાદ અને વક્તવ્યો પણ લોકોએ ઉત્સાહભેર સાંભળ્યાં હતાં. આ યાત્રા દરમિયાન રાજ્યના મંત્રીશ્રીઓ- ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ સાથેજ વિવિધ મહાનુભાવો પણ આ યાત્રામાં સહભાગી થઈને પ્રજાનો અને તંત્રનો ઉત્સાહ વધાર્યો હતો.
જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, યાત્રાના નોડલ અધિકારી શ્રી, પ્રાંત અધિકારીઓ, દરેક તાલુકાના ટીડીઓ, મામલતદાર સહિત સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.