બારડોલીની બાબેન જીન મંડળીમાં કરોડોની વસૂલાતના વિવાદે ભડકો
મંડળીની સાધારણ સભામાં હિસાબ અને વહીવટી મુદ્દે સભાસદોના વાંધાની નોંધ જ ન લેવાતા સભાસદો મેદાનમાં ઉતર્યા
સુરત, દક્ષિણ ગુજરાતની મોટી સહકારી મંડળીઓમાંની એક ગણાતી બારડોલીની બાબેન જીન મંડળીમાં ૧૦ વર્ષથી કરોડોની વસૂલાતનો વિવાદે ભડકો લીધો છે. કરોડો રૂપિયાની વસૂલાત માટે કોઈ જ કાર્યવાહી કરાતી નથી. તદુપરાંત સભાસદોએ આ મુદ્દે સામાન્ય સભામાં પણ લીધેલા વાંધાની નોંધ સુદ્ધાં ન લેવાતા મામલો જિલ્લા રજિસ્ટ્રાર પાસે પહોંચ્યો છે. સભાસદોએ મેનેજર અને કમિટીના સભ્યો સામે કાર્યવાહીની માંગ કરતું આવેદન પત્ર આપ્યું છે.
સુરત જિલ્લાના બારડોલીના બાબેનમાં આવેલી ખેડૂત સહકારી જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિ.માં સંસ્થાના માજી પ્રમુખ અને બિલ્ડરોને ઉધારમાં આપેલા માલસામાનના કરોડો રૂપિયા દસ વર્ષથી બાકી હોવા છતાં સંસ્થાએ વસૂલાત માટે કોઈ કાર્યવાહી નથી. ગત તા.ર૭-પ-ર૪ના રોજ મંડળીની સાધારણ સભા મળી હતી. સભાસદો દ્વારા મંડળીના હિસાબ અને વહીવટી મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જો કે, મંડળીના મેનેજર અને જવાબદાર હોદ્દેદારોએ ઉડાઉ અને સહકારી કાયદા કકાનૂન અને પેટા નિયમ વિરૂદ્ધના જવાબ આપ્યા હતા. સભાસદોના વાંધાઓની સભામાં નોંધ લેવામાં આવી ન હતી. નારાજ સભાસદોએ સોમવારે સુરત આવી જિલ્લા રજિસ્ટ્રારને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તા.ર૭-પ-ર૦ર૪ની સાધારણ સભામાં વર્ષો જૂની ઉધાર બાકીની વસૂલાત પેટા નિયમ વિરૂદ્ધ ઉધાર વેચાણ, ઉધાર ધિરાણ,
વેચાણની કોઈ મર્યાદા નક્કી કરવી, કોઈ સમય નક્કી ન કરવો વિગેરે જેવી ગંભીર બાબતો ઉપર યોગ્ય તપાસ કરી જે તે સમયના મેનેજર-હોદ્દેદારો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે અમે માંગ કરી હતી.
વર્ષો જૂની લેણી રકમની વસૂલાત માટે મેનેજર હોદ્દેદારો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે અમે માગ કરી હતી. વર્ષો જૂની લેણી રકમની વસૂલાત માટે મેનેજર અને હોદ્દેદારોએ કોઈ જ કાર્યવાહી ન કરી મોટી રકમનું વ્યાજનું આર્થિક નુકસાન કર્યું છે. આ બાબતની તપાસ કરાવવી જરૂરી છે. રૂપિયા ર લાખ કરતાં વધુ કિંમતના માલની ખરીદી અંગે ટેન્ડરો પણ મંગાવાતા નથી. જમીનખત પણ લેવામાં આવ્યા નથી.
મંડળીના કર્મચારી ઉમેશ ગોવિંદભાઈના ખાતે ર૦૧૮ના વર્ષથી રૂ.૧૩,૩પ,૬૯૭ બાકી છે. રાજેશ નરસિંહભાઈના ખાતે ર૦૧૯ના વર્ષથી રૂ.૩પ,૩ર,૧૬૪ બાકી છે. ધર્મેશ મનહરભાઈના ખાતે ર૦૧૯ના વર્ષથી રૂ.૩૪,૧૭,રપ૯ બાકી છે. આ બાકી બોલતી રકમની વસૂલાત માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી મંડળીના પેટાનિયમ ૭(૩૭) ૩ અન્વયે કાર્યવાહક કમિટી સામે આર્થિક નુકસાન થવા બદલ નુકસાનીની રકમ વસૂલ કરવા સંબંધી તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.