Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યમાં ભારે વરસાદ

નવી દિલ્હી, જી-૨૦ સમિટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની સહિતના રાજ્યોમાં વાતાવરણ એકાએક પલટાયું હતું. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. યુપીમાં રેલવે અને માર્ગ વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી.

જ્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. ઉત્તરપ્રદેશમાં આજે દિવસ દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં લખનઉ સહિતના શહેરોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત અનેક દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા. આવતીકાલે પણ આ રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસના વરસાદની સાથે રવિવારે ચમોલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા પણ થઈ હતી. વરસાદ અને હિમવર્ષાના કારણે બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ અને ફૂલોની ખીણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. કેદારનાથના પર્વતો ઉપરાંત બદ્રીનાથ ધામના નીલકંઠ, નર નારાયણ પર્વત સહિત અન્ય શિખરો પર પણ હિમવર્ષા થઈ છે.

હવામાન વિભાગે (આઈએમડી) આ દરમિયાન આગળ પણ વરસાદી માહોલ અને પહાડો પર હિમવર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરી છે.

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે ઝાંસી ડિવિઝનના હેતમપુર-ધોલપુર વચ્ચે ઝાંસી-દિલ્હી ટ્રેક ધસી ગયો હતો. ટ્રેકની નીચેથી માટી અને કોંક્રિટ-કપચી ધસી પડતાં વિવિધ સ્થળોએ ટ્રેનોને જ્યાં ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે લગભગ સાડા ચાર કલાક સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. વંદે ભારત, શતાબ્દી, ગતિમાન અને રાજધાની સહિત ૨૦ ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી. રેલવેએ બે પેસેન્જર ટ્રેનો રદ કરી છે.

મુરાદાબાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. કોલોનીઓમાં પાણી ઘૂસી ગયા હતા. મુંઢાપાંડે રેલ્વે ટ્રેક ડૂબી જવાને કારણે મુરાદાબાદ અને બરેલી વચ્ચે રેલ વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેના કારણે કાઠગોદામ-જેસલમેર, કાઠગોદામ-દહેરાદૂન સહિત મુરાદાબાદ ડિવિઝનની આઠ ટ્રેનો રદ કરવી પડી હતી.

જ્યારે ગાઝિયાબાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. લોકો ઘરોમાં કેદ થઈ જવા મજબૂર થઈ ગયા હતા. વાહનો પાણીમાં અડધે સુધી ગરકાવ થઈ ગયા હતા. લાલકુવાંમાં રોડ પર એક ખાડામાં કાર બેકાબૂ થઈને પલટી ગઈ હતી. લખનઉમાં પણ ભારે વરસાદને પગલે હાહાકાર મચી ગયો હતો. બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. આ સાથે ભયંકર વીજળી પણ પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.