20 લાખ ભરેલી બેગ ઉઠાવનારનો યુવકે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો
(એજન્સી)બારડોલી, સુરતના બારડોલીમાંથી કારના કાંચ તોડીને ૨૦ લાખ ભરેલી બેગની ચિલઝડપ કરવામાં આવી હતી. જેમાં એક જાગૃત યુવાન આદિલ મેમણે ચિલઝડપ કરનાર લોકોનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને લાખો રૂપિયા ભરેલી બેગ બચાવી લીધી હતી.
આ અંગેનો દિલધડક વીડિયો સામે આવ્યો છે. જાેકે, આ રૂપિયા આપના નેતા રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, બારડોલીના પોલીસ મથકના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ૨૦ લાખ ભરેલી બેગની ચિલઝડપ થઇ હતી.
જેમાં એક જાગૃત યુવાને પૈસા ભરેલી બેગ બચાવી બારડોલી પોલીસ મથકે સોંપી દીધી હતી. જેનો વીડિયા હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ ફરી રહ્યો છે. બારડોલી તેમજ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ૨૦ લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું હતું.
જેથી બારડોલી પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. આ સાથે પોલીસે આઈ.ટી વિભાગને પણ જાણ કરી હતી.