બગવાડા અને બોરીયાચ ટોલનાકા પર ૭૦ ટકા વધારા સાથે ટેકસ વસૂલવાનું શરૂ
વાપી, વલસાડ જિલ્લાના બગવાડા અને નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર ટોલટેકસમાં તોતિંગ વધારા અંગે ટ્રાન્સપોર્ટરો સહિત લોકોના વિરોધ વચ્ચે આખરે હાઈવે ઓથોરિટી દ્વારા પરિપત્ર જાહેર કરતા આજે રવિવારે મધરાતની નવો ટોલટેકસ વસૂલવાનું શરૂ કરાયું હતું. હાઈવે ઓથોરિટી દ્વારા ટોલટેકસમાં તોતિંગ ૭૦ ટકાથી વધુનો વધારો કરાયો છે પણ સુવિધાના નામે મીડું જ જોવા મળે છે.
વલસાડના પારડી તાલુકાના બગવાડા ખાતે અને નવસારીના બોરીયાચ ટોલનાકા પર નાના, મોટા અને ભારે વાહનના ટોલટેકસમાં તોતિંગ વધારો કરતાં હાઈવે ઓથોરિટી દ્વારા લાંબા સમયથી હિલચાલ ચાલી રહી હતી.
જો કે, હાઈવે પર ઠેર-ઠેર મોટા-મોટા ખાડાઓ પડવા સાથે કોઈ સુવિધા નહીં હોવાના મુદ્દે ટ્રાન્સપોર્ટ સંગઠન સહિત લોકોએ ટોલ ટેકસમાં વધારો કરવાની હિલચાલનો ભારે વિરોધ કર્યો હતો. જેને કારણે હાઈવે ઓથોરિટીએ ફી વધારો મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો હતો.
૧પ દિવસ અગાઉ ટોલનાકા પર સોફટવેરમાં તોતિંગ ટોલટેકસ વધારા સાથેનો ભાવ અપલોડ કરાતા તરત જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે રજૂઆત કરતા વધારો મુલત્વી રખાયો હતો.
જો કે, થોડા દિવસોમાં જ ફરી હાઈવે ઓથોરિટી દ્વારા પરિપત્ર જાહેર કરી બગવાડા અને બોરીયાચ ટોલનાકા પર ૭૦ ટકાથી વધુના તોતિંગ વધારા સાથે ટેકસ વસૂલવા આદેશ કર્યો હતો જેને પગલે આજે રવિવારે મધરાતથી બન્ને ટોલનાકા પર આવાગમન કરતાં વાહન ચાલકો પાસેથી નવો વધારા સાથેનો ટેકસ વસૂલવાનું શરૂ કરાયું હતું.