Western Times News

Gujarati News

બહુજનો તેમના ભાવિને લગતાં મુદ્દાઓ માટે કોંગ્રેસનું સમર્થન કરેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, સામાજિક ન્યાય હાંસલ કરવાના કોંગ્રેસના નિર્ધારનો પુનરોચ્ચાર કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, બહુજનોએ તેમના ભાવિને લગતાં મુદ્દાઓ માટે પક્ષને સમર્થન આપી તેના હાથ મજબૂત કરવા જોઈએ.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણીય ખાતરી આધારિત સામાજિક ન્યાયનો પાયો માત્ર રાષ્ટ્રવ્યાપી જાતિ આધારિત વસતિ ગણતરીથી જ મજબૂત થઈ શકે છે.

એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગઈકાલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે દેશના બહુજનોને તેમનો હિસ્સો આપી સામાજિક ન્યાયને મજબૂત બનાવવા માટે ત્રણ ઐતિહાસિક ઠરાવ કર્યાં છે.

અમે રાષ્ટ્રીય કાયદો લાવી અનામતની ૫૦ ટકાની મર્યાદા દૂર કરીશું. કેન્દ્રીય કાયદો બનાવી એસસી/એસટી સબ પ્લાનને કાનૂની આકાર આપીશું અને આ વર્ગના લોકોની વસતિના આધારે બજેટમાં તેમને હિસ્સો આપીશું.

બંધારણની કલમ ૧૫(૫)માં દર્શાવ્યાં અનુસાર, એસસી, એસટી અને ઓબીસી માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના અધિકારનો અમલ કરીશું. બહુજનોને અમારો સ્પષ્ટ સંદેશ છે કે, તમારા ભવિષ્યને લગતાં મુદ્દાઓ માટે અમને સહયોગ આપી અમારા હાથ મજબૂત કરો, કારણકે ‘હાથ બદલેગા હાલાત’.

અમદાવાદ ખાતે યોજાયેલા પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે એસસી/એસટી સબ-પ્લાન માટે કેન્દ્રીય કાયદો ઘડવા અંગે તથા તેમની વસતિના આધારે તેમને બજેટમાં ફાળવણી કરવા અંગેની પ્રતિબદ્ધાનો પુનોરચ્ચાર કર્યાના બીજા દિવસે રાહુલે આ ટિપ્પણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.