બાયડના શિક્ષક દંપતિએ ૩ થી ૪ કિલો પતંગની વેસ્ટ દોરી એકત્રિત કરીને નાશ કર્યો
(પ્રતિનિધી) બાયડ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં જ ચારે તરફ પતંગ ની વેસ્ટ દોરી ઓ પડી રહેતાં અબોલ જીવ પશુ પક્ષીઓ ને નુક્સાન ન થાય તે માટે બાયડમાં શિક્ષક દંપતિએ અનોખી રીતે કામ કર્યું છે. બાયડના વિવેકાનંદ સોસાયટીમાં રહેતા પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોની તથા ચોઇલા પ્રાથમિક શાળા નં ૩ માં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારતીબેન સોની તથા બાયડના બિલ્ડર અને યુનિટ ડાયરેક્ટર ગીરીશભાઈ પટેલ પાસેથી મળેલી વિગત મુજબ તેઓએ બાયડની વિવેકાનંદ સોસાયટી, ચોઇલા રોડ અને બાયડ બસ સ્ટેશન આગળથી મોડી રાત્રિના સુમારે કકળતી ઠંડીમાં પગપાળા ચાલીને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બાદ ઝાડ પર, વિજળીના થાંભલા પર કે રોડ પર જેવી જગ્યાઓમાં પતંગ ની વેસ્ટ દોરી લટકતી હતી, તે અંદાજે ૩થી૪ કિલો જેટલી વેસ્ટ દોરી ભેગી કરી અને ઘરે લાવીને વેસ્ટ દોરીને સળગાવી ને નાશ કરવામાં આવી હતી.
શિક્ષક દંપત્તિએ એવું જણાવ્યું કે ઉતરાયણ અને વાસી ઉત્તરાયણ બાદ આ વેસ્ટ દોરીઓ ના કારણે અનેક અબોલ જીવ પશુ-પક્ષીઓના પગમાં કે પાંખોમાં ફસાઈ જાય છે. જેને લઇ અનેક પક્ષીઓ મૃત્યુ પામે છે, જેને લઇ બાયડની વિવેકાનંદ સોસાયટી સહિત ચોઇલા રોડ અને બાયડ બસ સ્ટેશન આગળથી શક્ય હોય તેટલી વેસ્ટ દોરીને એકત્રિત કરી હતી. આગામી સમયમાં બાયડ શહેરના અનેક યુવાનોને સાથે રાખી કામ કરશે. શિક્ષક દંપતીના આ અભિગમને ચારે તરફથી વ્યાપક આવકાર મળ્યો હતો.