ઇ-સ્કૂટરમાંથી ધુમાડો નીકળ્યો બજાજે તપાસ શરૂ કરાવી
છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી ધુમાડો નીકળતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેને પગલે ઈ-સ્કૂટર ઉત્પાદક બજાજ ઓટોએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જાલના રોડ પર ટ્રાફિક સિગ્નલ પર બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી ધુમાડો નીકળ્યો હતો.
એક અધિકારીએ કહ્યું કે ધુમાડાને પગલે તરત ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તે પહોંચી હતી. વરવંડી ગામના બે ખેડૂત ભગવાન ચવ્હાણ અને રવીન્દ્ર ચવ્હાણ પાણીની પાઇપ ખરીદવા માટે છત્રપતિ સંભાજીનગર આવ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે, જ્યારે એ સિગ્નલ પર રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ઈ-વ્હીકલમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.
વાહનને એક બાજુ લઈ જવામાં આવ્યું અને સેવન હિલ્સ ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમે વાહન પર પાણી છાંટ્યું અને ધુમાડો નીકળવાનો બંધ થયો હતો. આ મામલામાં બજાજ ઓટોના પ્રવક્તાએ કહ્યું કે, અમને ઘટનાની માહિતી મળી છે. બાબતની તપાસ કરાઈ રહી છે. હવે અ કંપનીની તપાસમાં શું કારણ આવે છે તેની રાહ જોઈ રહી છે.
બીજી તરફ સંપર્ક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે અમને વાહન કઈ કંપનીનું છે તેની કોઈ જાણકારી નથી.એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘‘અમારી પાસે ઘટનાનો કોઈ રેકોર્ડ નથી.’’
ઉલ્લેખનીય છે કે બજાજ ઓટોના વડા રાજીવ બજાજે તાજેતરમાં કહ્યું હતું કે,‘‘બજાજ ચેતક દેશમાં સૌથી વધુ વેચાતું ઈલેક્ટ્રિક સ્કૂટર છે, ઓલા તો ઓલા છે, ચેતક તો શોલા છે.’’ તાજેતરના સમયમાં ઈ-સ્કૂટરનું જેમ-જેમ વેચાણ વધી રહ્યું છે તેમ-તેમ બેટરી કે અન્ય કારણસર સ્કૂટરમાં ધુમાડા નીકળવાની ઘટના પણ જોવા મળી રહી છે. અચાનક ધુમાડા નીકળવાને કારણે વાહનચાલકમાં ગભરાટ ઊભો થાય છે.SS1MS