બાળ ગોપાલની અવનવી ડિઝાઇન બજારમાં ઉપલબ્ધ
સુરત, રક્ષાબંધન બાદ આવતા જન્માષ્ટમીના તહેવારની રોનક બજારમાં જાેવા મળી રહી છે. કેટલાક લોકોએ આ તહેવારની ખરીદી પણ શરૂ કરી દીધી છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ કાન્હાના વિવિધ જાતના વાઘા અને પારણા હાલ બજારમાં મળી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આ તહેવારને વધુ ખાસ બનાવવા માટે કાન્હા માટે ચાંદીના પારણાની ખરીદી કરી રહ્યા છે.
સુરતમાં એક જ્વેલર્સના ત્યાં અવનવી ડિઝાઇન વાળા ચાંદીના પારણા મળી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારને ખાસ બનાવવા માટે લોકો પોતાના ઘરે રાખેલ કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ કાનાનો શણગાર કરવા માટે અવનવા ડેકોરેશન અને અવનવા વાઘા ખરીદતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ, ચાર વર્ષથી લોકોમાં ચાંદીના પારણા ખરીદવાનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે.
૩૦૦ ગ્રામથી લઈને ૫ કિલો સુધીના ચાંદીના પારણા લોકો ખરીદી રહ્યા છે અને આ પારણાની કિંમત ૩૦ હજારથી લઈને ૫ લાખ રૂપિયા સુધીની પણ હોય છે. એમાં પણ અવનવી ડિઝાઇનના ચાંદીના પારણાઓ તૈયાર કરવામાં આવે છે અને લોકો પોતાની મનપસંદ ડિઝાઇન વાળા પારણાઓ કૃષ્ણ માટે બનાવડાવે છે.
હિન્દુ ધર્મમાં માન્યતા મુજબ જન્માષ્ટમીના દિવસે દરેક લોકો પોતાના ઘરમાં બિરાજેલા કૃષ્ણના જન્મોત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી કરે છે અને તેમને ખુશ રાખવાના પણ પ્રયત્ન કરે છે.
આ માન્યતાને લઈને લોકો પોતાના ઘરના કૃષ્ણ માટે ચાંદીના પારણા ખરીદે છે. ચાંદીના પારણા વેચતા જ્વેલર્સ દીપ ચોકસીએ જણાવ્યું હતું કે, લોકો ૫ લાખ રૂપિયા સુધીના પારણા બનાવવા માટેના ઓર્ડર આપે છે. છ મહિના પહેલા જ લોકો ચાંદીના પારણા બનાવવાનો ઓર્ડર આપી દે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ ચાંદીના પારણાનું વેચાણ થાય છે. અલગ અલગ ડિઝાઇનના પારણાઓ અહીં વેચાણ અર્થે રાખવામાં આવે છે અને ખાસ પ્રકારની નકશી કામ માટે ખાસ રાજસ્થાનના કારીગરો પાસે પણ નકશી કામ કરાવવામાં આવે છે.SS1MS