Western Times News

Gujarati News

બલૂચિસ્તાન સરકારે હાઇવેની રાત્રિ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો

આતંકવાદીઓએ ટ્રેન પર હુમલો કર્યાના ત્રણ સપ્તાહ પછી નિર્ણય

લગભગ છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન પ્રાંત જાતીય બલૂચ બળવાખોર દ્વારા થતી હિંસાનો શિકાર બની ગયો છે

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં દિન-પ્રતિદિન કાયદાકીય વ્યવસ્થા કથળી રહી છે. આતંકવાદી હુમલાઓમાં નિર્દાેષ લોકોની સાથે સૈન્યના જવાનોની પણ હત્યા કરવામાં આવી રહી છે. આ દરમિયાન, બલૂચિસ્તાનની સરકારે કેટલાક મહત્વના નેશનલ હાઈવે પર રાત્રિના સમયે યાત્રા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી વાહનો પર આતંકવાદી હુમલાઓ વધી ગયા છે. આ અસ્થિર અને અશાંત પ્રાંતમાં વાહનોને ટાર્ગેટ કરવામાં આવે છે.

હથિયારધારીઓ હાઈવે પર વાહનોને રોકી નાંખે છે અને યાત્રિઓની ઓળખ કર્યા પછી તેમની હત્યા કરે છે. પંજાબીઓ પર આવા હુમલા વધુ થઈ રહ્યા છે. કાચ્ચી, ઝોબ, ગ્વાદર, નુશ્કી અને મુસાખાઇલ જિલ્લાના જિલ્લા કમિશનરોએ નોટિફિકેશન જાહેર કરીને મુખ્ય નેશનલ હાઇવે પર સાંજે ૬ કલાકથી સવારે ૬ કલાક સુધી યાત્રા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ ક્વેટા-તાફ્તાન રોડ, લોરલાઈ-ડેરા ગાજી ખાન રોડ, સિબી રોડ, કોસ્ટલ હાઇવે અને ઝોબ-ડેરા ઇસ્માઇલ ખાન રોડ સહિત કેટલાક હાઇવે પર લાગુ કર્યાે છે. ઉલ્લેખનીય છે કે, લગભગ છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન પ્રાંત જાતીય બલૂચ બળવાખોર દ્વારા થતી હિંસાનો શિકાર બની ગયો છે, જે પંજાબીઓના સશસ્ત્ર દળો પર હુમલા કરે છે.

બલૂચ બળવાખોરોનો આક્ષેપ છે કે સૈન્ય પ્રાંતમાં ખનીજોના ખનનમાં કેન્દ્ર સરકારની મદદ કરી રહ્યું છે. જોકે, પાકિસ્તાન સરકારના અધિકારીઓએ આક્ષેપોને ફગાવી દીધા છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આતંકવાદીઓએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કર્યાે હતો. તેના ત્રણ સપ્તાહ પછી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.