કાળીડુંગરી ગામની ખેડા ફળિયા પ્રાથમિક શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઈ
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢબારીઆ તાલુકાના કાળીડુંગરી ગામની ખેડા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને ર્નિણયોમાં ભાગીદાર થાય.
બાળ સંસદ ચૂંટણી માટે ખેડા ફળિયા પ્રાથમિક શાળા દ્વારા પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચતા ધોરણ ૬ થી ૮ માંથી કુલ ૪ વિદ્યાર્થીઓની ઉમેદવારી નોંધાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસર,
પોલિંગ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની જવાબદારી સોંપી વોટિંગ મશીન એપ્લિકેશન (ઈફસ્) નો ઉપયોગ કરી મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ પહેલી વાર ઇવીએમ મશીન જેવી જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
જેમાં સૌથી વધુ મત મેળવનાર રાકેશભાઈ બાબુભાઈ પટેલને જનરલ સેક્રેટરી અને સુનીતાબેન દિલીપભાઈ પટેલને મહિલા પ્રતિનિધિના પદ માટે વિજેતા જાહેર કરાયા હતા.
આ તકે શાળાના શિક્ષક અને બાળ સંસદ ચૂંટણી અધિકારી વિપુલકુમાર બારીઆએ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે.
બાળકોમાં નેતૃત્વ, સમૂહ ભાવના, સમયસર ર્નિણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે છે. તમામ વિધાર્થીઓને શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.