ઉદ્યોગમંત્રીએ કાંકરિયા કાર્નિવલ અંતર્ગત યોજાયેલ હસ્તકલા હાટની લીધી મુલાકાત
અમદાવાદના પંચવટી ખાતે આવેલ ગરવી ગુર્જરી એમ્પોરિયમની મુલાકાત લેતા ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે અમદાવાદના પંચવટી ખાતે આવેલ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત કાર્યરત ગરવી ગુર્જરી એમ્પોરિયમની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ખરીદી કરી સ્થાનિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરવી જોઈએ તેવો સંદેશો આપ્યો હતો.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. દ્વારા ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ 21 જેટલાં વેચાણ કેન્દ્રો કાર્યરત છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ એ ગૃહ અને કુટીર ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ અસંગઠિત કારીગરોને રોજગારી પૂરી પાડવા અને રાજ્યની લુપ્ત થતી હાથશાળા અને હસ્તકલાને જીવંત રાખવા કાર્યરત છે.
આ એમ્પોરિયમ દ્વારા રાજ્યની ભાતીગળ અને ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા હાથશાળ અને હસ્તકલાના ઉત્કૃષ્ઠ ઉત્પાદનોનું વેચાણ કરી દૂર-સદૂરનાં ગામડાંઓમાં વસતા કારીગરોને રોજગારી પૂરી પાડવામાં આવે છે.
મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે હસ્તકલા હાટમાંથી ખરીદી કરી આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરી
અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ – 2022 અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એક્ષટેન્શન કોટેજ દ્વારા તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર, 2022 દરમ્યાન ‘હસ્તકલા હાટ’નું આયોજન કરાયું છે. આ હસ્તકલા હાટમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 64 જેટલા વ્યકિતગત કારીગર/સંસ્થાઓએ ભાગ લીધેલ છે.
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ગુરુવારે કાંકરિયા કાર્નિવલ અંતર્ગત યોજાયેલ હસ્તકલા હાટની મુલાકાત લીધી હતી. ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે હસ્તકલા હાટમાંથી ખરીદી કરીને કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતના વિચારોને પ્રોત્સાહન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડસ્ટ્રીયલ એક્ષટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. તેનો મૂળભૂત હેતુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા, કુટિર અને ગ્રામોદ્યોગનો વંશપરંપરાગત કલાને જીવંત રાખી
કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિદર્શન કરવાનો છે.
કાંકરિયા કાર્નિવલના પાંચમા દિવસે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ તેમણે નિહાળ્યો હતો.
અમદાવાદમાં બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્સાહ બમણો દેખાઈ રહ્યો છે. તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરો, નૃત્યનાટિકાઓ યોજાઈ રહ્યા છે.
આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, સર્વે ધારાસભ્યશ્રીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.