ગુજરાતમાં સૌપ્રથમવાર “વાર્તાથી વાવેતર” બાળવાર્તા-બાળ મહોત્સવનો ભાવનગરથી થશે પ્રારંભ

ન્યુ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ તરફ વધુ એક સ્તુત્ય પગલું ગુજરાતમાં સૌપ્રથમવાર “વાર્તાથી વાવેતર” બાળવાર્તા-બાળ મહોત્સવનો ભાવનગરથી થશે પ્રારંભ : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભાવનગરમાં બાળ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં એક વિશિષ્ટ પ્રયોગ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં જાહેર થયેલી ન્યુ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦માં બાળકોની કેળવણીમાં વાર્તા અને ગીતોના મહત્વને વિશિષ્ટ પ્રાધાન્ય અપાયું છે
ત્યારે આ જ વાત બાળ કેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા આજથી ૧૦૦ વર્ષ પહેલા કહી ચુક્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રી ગિજુભાઈના વાર્તાના શાસ્ત્રને ફરી મુર્તિમંત કરવા માટે એક અનોખો પ્રયોગ ગુજરાતમાં સૌપ્રથમવાર ભાવનગરથી શરુ થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતના હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે અને શ્રી જય વસાવડા સહભાગી થશે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આગામી તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ ભાવનગરના મેઘાણી ઓડીટોરીયમમાં શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળગીત અને બાળવાર્તાને આંગિકમ-વાચિકમ અને અભિનયની સાથે અનોખી રીતે પ્રસ્તુત કરાશે. શ્રી સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા વાર્તા વાચિકમ તેમજ શિક્ષક અને પ્રખ્યાત ગાયક વિમલ મહેતાની ટીમ દ્વારા બાળગીતોને અનોખી રીતે રજૂ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સર્જનાત્મકતા અને મૌલિકતા ખીલવવા માટે વાર્તા ખુબ જરુરી હોવાથી શિક્ષણવિદ શ્રી સાંઈરામ દવે દ્વારા વાર્તાશાસ્ત્રને વિગતવાર સમજાવવામાં આવશે. સાથે જ વાર્તાથી જ જેમનું વ્યક્તિત્વ કેળવાયું છે અને સમગ્ર વિશ્વમાં જેમનું કટાર લેખક તરીકે પ્રખ્યાત નામ છે તેવા શ્રી જય વસાવડા વાર્તાનું સાઈન્ટીફિક લોજિક અને વાર્તાના મહત્વ વિશે વક્તવ્ય આપશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત આ કાર્યક્રમમાં શહેરના તમામ શિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ પ્રથમ અને વિશિષ્ટ પ્રયોગ બાદ ગુજરાતના પૂર્વ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને વાર્તાથી વાવેતર થકી
શ્રી ગિજુભાઈનાં કેળવણી દર્શનીથી માહિતગાર કરવાનું આયોજન છે. શ્રી ગિજુભાઈએ ભાવનગર ખાતે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનથી કેળવણીની કેડી કંડારી હોવાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આ કાર્યક્રમને સફળ બનાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.