બાલવાટિકા રાઈડ્સ દુર્ઘટનાના કોન્ટ્રાક્ટરને સજાના બદલે શિરપાવ

કાંકરિયા ફ્રન્ટમાં ત્રણ વર્ષ બાદ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થશે: ર૦૧૯ની દુર્ઘટનામાં ર વ્યક્તિના મોત થયા હતાઃ કોન્ટ્રાકટરને સજા ના બદલે ઈનામ રૂપે રેવન્યુ શેરીંગમાં કોઈ જ વધારો નહી
રાજય માર્ગ – મકાન વિભાગ દ્વારા નીચે મુજબ રાઈડ્સ ચલાવવા પરવાનગી આપવામાં આવી છે
ફાયર બોલ • ઈમ્પ્રેટર •ફલાઈંગ ચેર •મીની જાયન્ટ વ્હીલ • હોર્સ બોગી • પીરાટે શીપ • બુલ • હેલીકોપ્ટર • લીફટ ટાવર • બાઈક મેરી ગો-રાઉન્ડ • મીકી રાઈડ્સ • ફેરારી કાર • બાઈક •પાંડા • અલ્લાદ્દીન • જમ્પીંગ કિડ્સ • છોટા ભીમ • મુન વોટર • પીયાના મેરી ગો રાઉન્ડ • ટોમ એન્ડ ઝેરી • સીમયુલેટર
ક્યા વિભાગની એનઓસી / પરવાનગી લેવામાં આવી
મીકેનીકલ સર્ટી – આર એન્ડ બી વિભાગ, પબ્લીક લાયબીલીટી ઈન્સ્યોરન્સ – ઈન્સ્યોરન્સ ડીપાર્ટમેન્ટ, ફાયર સેફટી – મ્યુનિ. ફાયર વિભાગ, હેલ્થ એન્ડ સેનીટેશન – મ્યુનિ. હેલ્થ વિભાગ, સિવિલ સ્ટ્રકચર સર્ટિફીકેટ – એક્ઝિકયુટીવ એન્જી. ઓફિસ ઈલેકટ્રીક – ઈલેકટ્રોનીક સર્ટિફિકેટ- આસિસ્ટન્ટ ઈલેકટ્રીક ઈન્સ્પેકટર (ગુજરાત રાજય), બુકિંગ અને પોલીસ લાયસન્સ – પોલીસ વિભાગ અમદાવાદ શહેર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં કલંકિત કહી શકાય તેવી દુર્ઘટના ર૦૧૯ની સાલમાં કાંકરીયા લેક ફ્રન્ટ ખાતે થઈ હતી. કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા તથા પાંચ કરતા વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
જેના કારણે કાંકરીયા ફ્રન્ટના એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષ બાદ ફરીથી તમામ રાઈડ્સ શરૂ કરવા માટે નિર્ણય કર્યો છે.
શહેરના ઐતિહાસિક કાંકરીયા ફ્રન્ટ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બંધ એમ્યુઝમેન્ટ પાર્ક નવેસરથી શરૂ કરવામાં આવી રહયા છે. બાલવાટિકામાં એમ્યુઝમેન્ટ પાર્ક-ર શરૂ કરવા માટે કોન્ટ્રાકટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. દ્વારા તમામ લાઈસન્સ નવેસરથી લેવામાં આવ્યા છે.
ર૦૧૯ની સાલમાં “ડીસ્કવરી” રાઈડ્સ દુર્ઘટનાના પગલે એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા તેમજ કોન્ટ્રાકટર સામે પોલિસ ફરીયાદ પણ કરવામાં આવી હતી, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક માટે નવી એસઓપી તૈયાર કરવમાં આવી હતી જે મુજબ તમામ રાઈડ્સના ફરીથી ઈલેકટ્રીક-મીકેનીકલ પરીક્ષણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.
રાજય સરકાર દ્વારા નાયબ નિયામક ઈન્ડ. હેલ્થ એન્ડ સેફટી, એલોસીએટ પ્રોફેસર, એલ.ડી. એન્જી. કોલેજ શહેર આરોગ્ય યાંત્રિક, પેટા વિભાગ, પ્રોફેસર પોલિટેકનીક કોલેજ, મદદનીશ ઈજનેર મ્યુનિ. કોર્પોરેશન સહીત કુલ સાત સભ્યોની કમીટીની રચના કરવામાં આવી હતી.
સદ્ર કમીટીની ભલામણ મુજબ રાજય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવ્યા હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ હોનારતના પગલે આમપ્રાલી ઈન્ડ.ની રાઈડ્સ પણ ત્રણ વર્ષથી બંધ કરવામાં આવી હતી. આમ્રપાલી ઈન્ડ. દ્વારા પણ નવી એસ.ઓ.પી. મુજબ તમામ લાઈસન્સ લેવામાં આવ્યા છે તથા બંને કંપનીઓના એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ર૦૧૯માં ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતાં ર વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા તેમજ પાંચથી સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં તે સમયે તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે આકરા પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ બ્લેકલીસ્ટ કરવાના દાવા પણ થયા હતાં પરંતુ ત્રણ વર્ષ બાદ ફરીથી એજ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવી રહ્યાં છે. તેમજ રેવન્યુ શેરીંગમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી તે બાબત ચર્ચાનો વિષય બની છે.